શ્રધ્ધાંજલિ: સુરતના 42 વર્ષીય પાટીદાર મહિલા સોનલબેનએ મૃત્યુ બાદ 5 લોકોને નવું જીવન આપ્યું

Surat Organ Donation: માનવનું શરીર ખૂબ જ અનમોલ છે. ત્યારે ઘણીવાર કોઈ બિમારીના કારણે શરીરનું અંગ કામ કરતું બંધ થઈ જાય તો તેને બદલવું ખૂબ જ જરુરી બને છે. જેમ કે, આંખ, કિડની, હ્રદય જેવા અંગોને ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરીને જીવ બચાવી શકાય છે. ત્યારે જે તે વ્યક્તિ (Surat Organ Donation) બ્રેઈનડેડ થઈ જાય તો તેના અંગનું દાન કરીને બીજા લોકોને નવું જીવન આપી શકાય છે. ત્યારે સુરતમાં એક બ્રેઈન ડેડ મહિલા સોનલબેન કિર્તીભાઈ ડોબરિયાનું અંગદાન કરાવવામાં આવ્યું હતું. જેનાથી 5 લોકોને નવજીવન મળ્યું છે.

ચક્કર આવતા બેભાન થઈ મહિલા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના અને ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીના 42 વર્ષીય સોનલબેન કિર્તીભાઈ ડોબરીયા તેમના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ, દીકરો અને એક દીકરી છે. તા. 19 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આશરે 3:00 વાગ્યે આસપાસ બાથરૂમમાં જતી વખતે ચક્કર આવી જતા સોનલબેન પડી ગયા હતા. તે સમયે દીકરી સ્નેહાને કઈ અજુગતો અવાજ સાંભળતા તેઓ જાગી જતા સાથે પોતાના પિતાને જગાડી, બાથરૂમ તરફ દોડી જતા સોનલબેન બાથરૂમમાં પડી ગયા હતા. જેથી મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મહિલાને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કરી
મહિલાની સારવાર થાય તે પહેલા મહિલાનું હ્રદય બંધ પડી ગયું હતું. ત્યારે તબીબોએ અથાક પ્રયત્ન કરીને હ્રદયને ફરીથી ધબકતું કર્યું હતું. પરંતુ હ્રદય બંધ થવાથી તેની મગજ પર અસર થઇ હતી. જેથી તેઓને વધુ સારવાર અર્થે મહિલાને વિનસ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં 2 દિવસની ટૂંકી સારવાર બાદ તા. 20 ફેબ્રુઆરીના રોજ દર્દીના રિપોર્ટ જોઈ ફરજ પરના ડોકટરે સોનલબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બ્રેઈન ડેડ મહિલાના અંગોનું અંગદાન
વિનસ હોસ્પિટલના ચીફ એડમીનએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઓર્ગન ડોનેશન ટીમ અને સોનલબેનના પરિવારના સભ્યો સાથે અંગદાન કરવા અંગે વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. મહિલાના પતિ કિર્તીભાઈ એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરે છે. જ્યારે દિકરો કેવિન ધોરણ 11માં અને દિકરી સ્નેહા ધોરણ 9માં અભ્યાસ કરે છે. વધુમાં મહિલાના પરિવારે જણાવ્યું કે, આ શરીર જ્યારે પંચમહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે. તો આપણે અંગદાન કરી અન્ય લોકોને શા માટે નવું જીવન ન આપી શકીએ. ડોબરીયા પરિવાર દ્વારા બ્રેન ડેડ મહિલાના અંગોનું અંગદાન કરવાની સહમતી આપવામાં આવી હતી. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા વિનસ હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અંગદાન થકી 5 લોકોને નવજીવન
આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર,બંને કીડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું છે. અમદાવાદ ખાતે લીવર (ઉ.42, પુરુષ). વડોદરા ખાતે એક કીડની (ઉ.50, પુરુષ) અને રાજકોટ સ્થિત એક કીડની (ઉ.45, સ્ત્રી) અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તમામ ઓર્ગનને સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.