કર્મચારીઓને લઈને ઓફિસ જઈ રહેલ ટ્રાવેલરમાં અચાનક આગ લાગતા 4 લોકો જીવતા ભડથું થયા

Pune 4 death in traveler: પૂણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં નોકરીએ જતા ચાર કર્મચારીઓ આ દુર્ઘટનાનો શિકાર થયા હતા. જ્યારે (Pune 4 death in traveler) અન્ય 6 લોકો ગંભીર રૂપે ઘાયલ થયાનો પણ દાવો કરાયો છે. જેમાં ડ્રાઈવર પણ સામેલ છે.

પિંપરી ચિંચવાડ વિસ્તારના હિંજેવાડીમાં આ દુર્ઘટના ઘટી હતી. એક ટેમ્પો ટ્રાવેલર (મિની બસ) માં અમુક કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતાં. જ્યારે ટ્રાવેલર ડસોલ્ટ સિસ્ટમ નજીક પહોંચી, ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ અમુક કર્મચારીઓ ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ ચાર લોકો ગાડીમાં ફસાઈ ગયા અને જીવતા બળી ગયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. આ ટેમ્પો ટ્રાવેલર વ્યોમા ગ્રાફિક્સ કંપનીના કર્મચારીઓની સ્ટાફ બસ હોવાની જાણકારી મળી છે.

ડ્રાઈવર સીટ પાસેથી લાગી હતી આગ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સ્ટાફ ટેમ્પો ટ્રાવેલરમાં વહેલી સવારે ખાનગી કંપનીના 12 કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતાં. જેમાં અચાનક ડ્રાઈવરની સીટ નીચેથી આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા હતાં. પરંતુ આગના કારણે પાછળનો દરવાજો લોક થઈ જતાં ચાર કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતાં.