ગુજરાત ટાઈટન્સની સતત ત્રીજી જીત: હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કેપ્ટન ગિલની ફિફ્ટી

IPL 2025 GT VS SRH: રવિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી (IPL 2025 GT VS SRH) હરાવ્યું હતું. આ જીત બાદ ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ ટેબલ પર મોટી છલાંગ લગાવી છે. હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

ગુજરાતે આ સીઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. આમાંથી તેણે ૩માં જીત મેળવી છે. ગુજરાત 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પ્રથમ ક્રમે દિલ્હી કેપિટલ્સ ટીમ છે, જેણે તેની બધી 3 મેચ જીતી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ સીઝનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. પરંતુ તે પછી તેને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ 2 પોઈન્ટ સાથે તળિયે છે.

સિરાજનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. સિરાજે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા અને સિમરજીત સિંહને પેવેલિયન મોકલ્યા હતા.

હૈદરાબાદની ઇનિંગ
પહેલા બેટિંગ કરવા આવેલા હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને આઉટ કર્યો, જેને હૈદરાબાદનો સૌથી મજબૂત કડી માનવામાં આવતો હતો. હેડ 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અભિષેક શર્મા પણ 5મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે ફક્ત 18 રન જ કર્યા હતા. આજે ઇશાન કિશન પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ તે પણ 8મી ઓવરમાં માત્ર 17 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી, હેનરિક ક્લાસેનએ કેટલાક સારા શોટ રમ્યા પરંતુ 14મી ઓવરમાં તેની વિકેટ ગુમાવી દીધી. નીતીશ રેડ્ડી પણ જલદી આઉટ થઇ ગયો હતો. જોકે, અંતે, પેટ કમિન્સે કેટલાક સારા શોટ રમ્યા જેના કારણે હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 152 રન જ બનાવી શક્યું હતું.

ગુજરાતની ઇનિંગ
153 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. સાઈ સુદર્શન ત્રીજી ઓવરમાં જ આઉટ થઈ ગયા. આ પછી બટલર પણ બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. બટલર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. જોકે, આ પછી વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલ વચ્ચે સારી ભાગીદારી કરી હતી. ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી જ્યારે સુંદર 49 રન બનાવીને આઉટ થયો હતો. આ કારણે ગુજરાતે 17મી ઓવરમાં જ 153 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.