માતાજીના નામે વલસાડની વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો શિકાર, મળ્યું મોત

Valsad death due Superstition: વલસાડના પલસાણા ગામે રહેતી યુવતીનું રહસ્યમયી  મોત થયા બાદ માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધાને લઈ તાંત્રિક વિધી કરતી વખતે  ડામ આપવામાં આવતા દાઝી જવાથી શંકાસ્પદ મોત થયાની ચર્ચા ઊઠી છે. અંતિમ વિધી સમયે મૃતકના શરીર (Valsad death due Superstition) પર 8થી વધુ ડામ દેવાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસે મોતનું કારણ જાણવા માટે સેમ્પલને વિસેરા ફોરેન્સિંક લેબમાં મોકલી દીધા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા ગામે રહેતા અર્જુન હળપતિની 22 વર્ષની પુત્રી દિવ્યા થોડા દિવસ પહેલા દાઝી જતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સિવિલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું  હતું. મૃતકના પિતાએ સારવાર દરમિયાન પુત્રીને ખેંચ આવતા મૃત્યુ થયું હોવાની પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ સ્મશાનમાં અંતિમ વિધી કરતી વખતે મૃતક છોકરીના શરીર પર 8 થી પણ વધુ ડામના નિશાન મળી ખાવતા લોકો ચોંકી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થયો હતો, ત્યારબાદ દિવ્યાના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે કોઝ ઓફ ડેથ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે તેવું કહ્યું હતું. વીડિયો વાઈરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ આદરી હતી. ગામના લોકોના જણાવ્યા મુજબ  મૃતક યુવતીને માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે તાંત્રિક વિધી કરાવતી વખતે ડામ દેતા મોત થયું હતું.