ગુજરાતમાં હવે આ જગ્યાએ આંબાની રખવાળી કરશે પોલીસ, ઝાડ પર લટકતી 7.5 કરોડ રૂપિયાની કેરીની ચોરી

Mango theft in Navsari: આપણે બંધ મકાન, દુકાન અને મંદિરમાંથી ચોરીના બનાવો વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડ પર લટકતી કેરીઓની ચોરી થતી હોવાના બનાવો વધતા ખેડૂતોને મોટું નુકસાન (Mango theft in Navsari) ભોગવવું પડી રહ્યું છે. નવસારીના નાગધરા, સાતેમ, કુંભારફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઈ, બુટલાવ, ભૂલાફળિયા, નવા તળાવ, પારડી સહિત 15 ગામોમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થઈ રહી છે. આના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેરીની ચોરી થતી હોવાના કારણે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને આ ગામોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી સુરક્ષાની માંગણી કરી
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ચોરાયેલી કેરીઓને સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વેચાણ માટે મોકલવામાં આવી રહી છે. નવસારીના ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. એક તો આ વર્ષે કેરીનો ઉતારો ઓછો આવ્યો છે અને તેમાં પણ કેરીની ચોરીની ઘટનાઓ બની રહી છે.

નવસારીના 15 ગામોમાંથી રોજની લગભગ 2000 મણ કેરીની ચોરી થાય છે. દરેક ગામમાંથી આશરે 100થી 150 મણ કેરીઓ ચોરાઈ રહી છે. ચોરી કરેલી કેરીઓને ચોરો બજારમાં એક મણ દીઠ માત્ર 500 રૂપિયામાં વેચી રહ્યાં છે. જો કે, કેરીનો મૂળ ભાવ અત્યારે 2000થી 2500 રૂપિયા ચાલી રહ્યો છે.

ચોરીની ઘટનાઓના કારણે ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ
દરેક ગામડાંઓની ખેડૂતોએ સાથે મળીને કલેક્ટરે આવેદન આપ્યું હતું. આ ચોરીની ઘટનાના કારણે ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરી નાખી છે. રોજની 2000 મણ કેરીઓ ચોરાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન પણ થઈ રહ્યું છે.

એકબાજું ગ્લોબલ વોર્મિંગના કારણે પાકમાં ઘટાડો થયો છે અને એમાં પણ આ ચોરીની ઘટનાઓએ પડતા પર પાટું જેવી સ્થિતિ કરી દીધી છે. આના કારણે હવે ખેડૂતોને આનો ખર્ચ કાઢવા પણ અઘરો પડી જવાનો છે. આરોપ એવો છે કે, ખેતીકામ કરવા માટે આવતા મજૂરો અને તેમના બાળકો રાત્રે કેરીની ચોરી કરે છે અને બજારમાં ઓછા ભાવે વેચાણ કરી દે છે.