છેલ્લા ૩૦ કે ૪૦ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત એવા પીઢ અગ્રણીઓને અવગણીને અમદાવાદની એક હોટેલમાં પાછલા દરવાજેથી રાતના અંધારામાં દિલ્હીથી આવેલા કોંગ્રેસના નેતાઓની ગૂપચૂપ મુલાકાત કરનાર હાર્દિક પટેલને રાતોરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવી દેવાતાં માત્ર પ્રદેશ કક્ષાએ જ નહીં પરંતુ ગામેગામ વિરોધના વંટોળ ફાટી નીકળ્યો છે.
સમગ્ર દેશમાંથી કોંગ્રેસ વિલુપ્ત થવાના આરે છે અને ગુજરાતમાં કોંગ્રેસ જૂથબંધીમાં સપડાયેલી છે ત્યારે રાજનીતિનો કોઈ જ અનુભવ ન ધરાવનાર નવા નિશાળીયા અને વિવાદાસ્પદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી દેવામાં આવતાં ગુજરાત કોંગ્રેસના નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસી વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ચર્ચાસ્પદ અને ફેંકાઈ ગયેલા હાર્દિકને કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ બનાવીને કોંગ્રેસ હાઇકમાન્ડે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાર્દિક પટેલને તેમના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી અને આવતી ચૂંટણીઓમાં જો હાર્દિક પટેલ પ્રવચન કરવા આવશે તો તેને સખત વિરોધ કરવામાં આવશે.
કોંગ્રેસી વર્તુળોનું માનવું છે કે હાર્દિક પટેલ જેવા નવા નિશાળીયાને માથા કરતાં ફૈડકો મોટોની જેમ પ્રદેશ પ્રમુખ પદથી નવાજવામાં આવતાં ગુજરાતના નિષ્ઠાવાન અને વરિષ્ઠ આગેવાનો હવે નિષ્ક્રિય થઈ જશે અને હવે હાર્દિક પટેલ જ કોંગ્રેસનું વહાણ ચલાવાનો હોય તો કોંગ્રેસની નૌકા હવે ડૂબવાની છે તે નક્કી જ છે. હાર્દિક પટેલની ક્ષમતા તાલુકા કોંગ્રેસના પ્રમુખ બનવાની પણ નથી જેને પ્રદેશનો કાર્યકારી પ્રમુખ બનાવી દીધો છે. તાજેતરમાં જ રાતોરાત બની ગયેલા મોટા નેતાની જેમ જ હાર્દિક પટેલે એક પત્રકાર પરિષદને સંબોધી વખતે એવો ભાંગરો વાટયો હતો કે આવનારા સમયમાં અમે એક તૃતિયાંશની બહુમતીથી ગુજરાતમાં સરકાર બનાવીશું.
કોંગ્રેસના વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનના નામે પાટીદારોને ફાયદો કરાવવાના બદલે અંગત લાભ ઉઠાવી લીધો. જે માણસ કહેતો હતો કે તે રાજકારણનો ‘ર’ પણ જાણતો નથી અને રાજનીતિમાં આવવાનો નથી એ જ હાર્દિકે રાતોરાત કોંગ્રેસની ટોપી પહેરી લીધી આ તેનો તકવાદ છે. ચર્ચા એવી પણ ચાલે છે કે એક હોટલના બેડરૂમમાં હાર્દિક પટેલે કરેલી કહેવાતી પ્રવૃત્તિનો વીડિયો આખા ગુજરાતે જોયો છે તે વીડિયો શું કોંગ્રેસના દિલ્હીના હાઇકમાન્ડે જોયો નથી ? રાતોરાત હાર્દિક વૈભવમાં આળોટતો કેવી રીતે થઈ ગયો-તે પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.
કેટલાક એવા પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે જેઓ છેલ્લા ૪૦ વર્ષથી કોંગ્રેસમાં છે, અને જેઓ ભૂતકાળમાં પક્ષનું પ્રમુખપદ શોભાવી ચૂક્યા છે અને વિધાનસભામાં પણ પક્ષનું નેતૃત્વ સંભાળી ચૂક્યા છે એ બધાએ હવે કોંગ્રેસમાં તાજા જ આવેલા હાર્દિક પટેલ પાસેથી માર્ગદર્શન લેવું પડશે એ સ્થિતિ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માટે ક્ષોભજનક હશે. આ સંજોગોમાં કોંગ્રેસ હવે વેરવિખેર થઈ જાય તો નવાઈ નહીં.
હાર્દિક પટેલ પાટીદારોના આંદોલન વખતથી જ વિવાદાસ્પદ રહ્યો છે અને પાટીદારોના હિતોની માત્ર વાતો જ કરીને પોતાની ખીચડી પકવીને બેસી ગયો છે તે વાતથી આખું ગુજરાત વાકેફ છે. ત્યારે દિલ્હીનું કોંગ્રેસ હાઈકમાન્ડ કેમ અંધારામાં છે તે ખુદ કોંગ્રેસીઓને જ સમજાતું નથી. સેવાના બદલે માત્ર સત્તાને જ લક્ષ્યમાં રાખીને આવેલા અતિ મહત્ત્વાકાંક્ષી યુવાનોને સમજ્યા વગર મહત્ત્વ આપવામાં રાજસ્થાનની કોંગ્રેસમાં જે હાલત થઈ છે તેવી હાલત હાર્દિકને કારણે ગુજરાત કોંગ્રેસમાં પણ થાય તો નવાઈ નહીં.- એમ ગુજરાતના નિષ્ઠાવાન કોંગ્રેસીઓનું માનવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news