સુરત શહેરના ઉધનાની હેગડેવાર વસાહતમાં ગટરની કુંડીમાંથી ત્યજી દેવાયેલું આશરે પાંચ મહિનાનું ભૃણ મળી આવ્યું હતું. ઉધના પોલીસે ભૃણનો કબ્જો લઇ સ્થાનિક વિસ્તારની હોસ્પિટલ સહિતના રહેણાંક વિસ્તારમાં ભૃણને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ કરી રહી છે.
ઉધના પટેલ નગર વિસ્તારમાં હેગડેવાર વસાહત નજીક 8 વર્ષનો માસુમ કાર્તિક રમી રહ્યો હતો. રમતા-રમતા તેની પાસેનો 5 રૂપિયાનો સિક્કો ગટરની કુંડીમાં પડી જતા તેણે કુંડીની સામેના ઘરમાં રહેતા ગીતાબેન કિશન રાઠોડને સિક્કો કાઢી આપવા માટે કહ્યું હતું. જેથી ગીતાબેને સિક્કો કાઢવા કુંડીનું ઢાંકણ ખોલતા વેંત તેમાં ત્યજી દેવાયેલું આશરે 5 માસનું ભૃણ નજરે પડયું હતું. જેની જાણ સ્થાનિક રહેવાસીઓને થતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.
દરમ્યાનમાં કોઇકે પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસે ત્યજી દેવાયેલા ભૃણનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ કરાવવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ભૃણને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ માટે સ્થાનિક વિસ્તારની હોસ્પિટલ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news