Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘સંસ્કૃતિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
૧૦,૦૦૦ વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને સમગ્ર વિશ્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. સંસ્કૃતિના આધારસ્તંભો એવાં – શાસ્ત્ર, મંદિર અને સંત – ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિરક્ષાના વિવિધ પાસાંઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતાં.
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવદ્ગુણોના ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજના વિરલ ગુણોનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું.
મહાનુભાવોના સ્વાગત બાદ સનાતન હિન્દુ ધર્મનાં ત્રણ આધારભૂત શાસ્ત્રો – શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર – એટલે કે પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરનાર BAPS સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન અને વિશ્વવ્યાપી સર્જનો – મંદિરોની અદ્ભુત સૃષ્ટિ વિષે પ્રકાશ પાડ્યો હતો.
આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મનેજિંગ ડિરેક્ટર પ્રયાસવીન પટેલ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ આદરણીય જયદીપસિંહજી છત્રસાલજી સિંહજી, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રાઇ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટકુમાર પરમાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશભાઈ બારોટ, ગિરીશ દત્તાત્રેય, અને UK થી ચાર્લ્સ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું…
જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ માં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે.પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર દુનિયા ને એક પરિવાર ના સભ્ય ની જેમ તમામ લોકો ની સેવા કરી છે. પ્રમુખસ્વામી મહારાજ માનવતા ના કલ્યાણમિત્ર હતા અને તેમના જન્મ થી સમગ્ર માનવતા અને સમાજ ધન્ય થઈ ગયા.
પ્રમુખસ્વામી મહારાજ ગરીબોના ઉત્થાન માટે , મહિલા સશક્તિકરણ, તેમજ પરસ્પર ભાઈચારા ની ભાવના માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા.૧૧૦૦ થી વધારે સાધુતા યુક્ત સંત સમાજ નું નિર્માણ કરીને ભવિષ્યના કલ્યાણ મિત્રોનું પણ નિમાર્ણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે સને ૨૦૦૦ માં યુનાઈટેડ નેશન્સ ના ધાર્મિક પરિષદમાં ધાર્મિક સંવાદિતા માટે ખૂબ જ અદભુત પ્રવચન આપ્યું હતું.
કિરીટ પરમાર – મેયર , અમદાવાદ
“બીજાના ભલામાં આપણું ભલું અને તે મુજબ જીવન જીવવાની પ્રેરણા આપનાર મહાન યુગવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ ને અમદાવાદ શહેર ના પ્રથમ નાગરિક તરીકે હું તેમને વંદન કરું છું. દરેક હરિભક્તો ને વિપરીત પરિસ્થિતિ માં “સ્વામી બાપા બેઠા છે” એ વિચાર માત્ર નિશ્ચિંત કરી દેતો હતો.”
ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ના સિક્યુરિટી ડિરેક્ટર ભરત જોશીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ ને હું જીવનમાં ૭ વાર મળી શક્યો એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા લોકોને પોતાના પરિવારજન માનીને સારસંભાળ લેતા હતા. ૨૦૦૨ માં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજે જે શાંતિ સંદેશો આપ્યો તે એક બોમ્બ વિસ્ફોટ કરતા પણ પ્રચંડ હતું અને સમગ્ર ગુજરાત માં ચિર શાંતિ સ્થપાઈ ગઈ હતી.”
ગિરીશ દત્તાત્રે મહાજન -કેબિનેટ મંત્રી -મહારાષ્ટ્ર
“પ્રમુખસ્વામી મહારાજ નગર માં આવ્યા પછી મને સ્વર્ગ ની અનુભૂતિ થઈ છે અને આ નગર નું આયોજન જોઈને આઇ.આઇ.ટી ના વિદ્યાર્થીઓ એ પણ અહી શીખ લેવા આવવું જોઈએ. અમે નાશિક માં કુંભ મેળા નું આયોજન કર્યું હતું ત્યારે અમને એમ થયું હતું કે અમે ઘણું મોટુ સફળ આયોજન કર્યું છે પણ અહીં આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગર નું આયોજન અને સ્વયં સેવકો નું સમર્પણ જોઈને થાય છે કે અમે કઈ જ નથી કર્યું. જલગાંવ માં પણ હું ૫ એકર જમીન આપવા માંગુ છું કારણકે સ્વામિનારાયણ ના મંદિરો એ માત્ર મંદિરો નથી પણ જીવન ઉત્કર્ષ ના મંદિરો છે.”
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,
“આજે સંસ્કૃતિ દિવસ નિમિતે આપ સૌ મહાનુભાવો આવ્યા એ માટે આપનો આભાર છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “નોકરી ધંધો બધું જ કરવું પણ સંસ્કૃતિ અને સંસ્કાર ક્યારેય ના ભૂલવા.” આપણી સંસ્કૃતિના ૩ આધાર સ્તંભો છે જેમાં મંદિર , શાસ્ત્ર અને સંત નો સમાવેશ થાય છે. મંદિરો થી લોકો ના જીવન શુદ્ધ બને છે અને સમાજ સુધારણા નું કાર્ય પણ મંદિરો દ્વારા થાય છે.
આદિ શંકરાચાર્યજીથી લઈને અનેક ઋષિ મુનિઓએ મહાન શાસ્ત્રો ની અતુલ્ય ભેટ આપી છે જેમાંથી આજે પણ સમાજ ને પ્રેરણા મળે છે. શાસ્ત્રો કહે તેમ આપણે કરીએ તો આપણે સુખી થાય છે અને જીવન શુદ્ધ બને છે.
સંતોએ સુશિક્ષિત સમાજ નું નિર્માણ કરવામાં અતુલ્ય યોગદાન આપે છે. શાસ્ત્ર, મંદિર અને સંત એ સમાજ નો પ્રાણ છે. આપણને જે ભગવાન અને સંત મળ્યા છે તે સાચા મળ્યા છે અને તેમના દ્વારા આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આપણી ધર્મ અને સંસ્કૃતિ સચવાય તે માટે આપણે સતત અનુસંધાન રાખવું અને તેનાથી જીવનમાં શાંતિ થશે અને ભગવાન પણ રાજી થશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.