વીજળી વિભાગનો છબરડો: ગરીબ ખેડૂતને પકડાવી દીધું 7.33 કરોડ રૂપિયાનું બિલ

UttarPradesh News: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં વીજળી વિભાગનું એક ગજબનું કારનામું સામે આવ્યું છે. મોલહુ નામના ગરીબ ખેડૂતને વીજળી વિભાગે 7.33 કરોડનું બિલ પકડાવી (UttarPradesh News) દીધું હતું. જેને જોઈ ખેડૂત દંગ રહી ગયા હતા. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું હતું. આવા મસ મોટા બીલે તો આખા પરિવારને અચંબો પમાડ્યો હતો. ખેડૂતે કહ્યું હતું કે જેટલી વીજળીનું બિલ આવ્યું છે તે પોતાની બધી સંપત્તિ વેચી દેશે તો પણ તે નહીં ચૂકાવી શકે.

પ્રોપર્ટી વેચી નાખે તો પણ નહીં ચૂકવી શકે બિલ
ગરીબ ખેડૂતનું કહેવું છે કે તેની પાસે એટલી સંપત્તિ પણ નથી કે તે આ બિલ ચૂકવી શકે. તેની ચિંતા તેના દીકરીના લગ્નના લઈને પણ છે. તેણે વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘણી વખત મુલાકાત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી

બસ્તી જિલ્લાના હરૈયા ઉપકેન્દ્રના કેશવપુર ફીડરના રમાયા ગામના મોલહુએ 2014માં એક કિલો વોટનું વીજળી કનેક્શન લીધું. તેમણે જણાવ્યું કે ડિસેમ્બર 2024માં તેમનું બાકી બિલ ₹75,000 નું હતું અને 1 મહિના બાદ તેનું બિલ 7.33 કરોડ થઈ ગયું. મોલહુ એ કહ્યું કે જ્યારે અમને કરોડોના બાકી બિલ વિશે જાણકારી મળી તો અમને ચક્કર આવી ગયા. વીજળીનું બિલ સાંભળી મને હાર્ટ એટેક આવી જશે. મારી એક છોકરી છે હવે તેના લગ્ન કોણ કરાવશે. 7 કરોડથી વધારે વીજળીનું બિલ આવ્યું છે, અમારી બધી જ સંપત્તિ વેચી દઈએ તો પણ આ બિલ ભરાય તેમ નથી.

75 હજારથી એક મહિનામાં વધી રકમ
આ સમગ્ર મામલે જાણકારી આપતા ખેડૂતના દીકરાએ જણાવ્યું કે ગામમાં વીજ વિભાગવાળા ચેક કરવા માટે આવ્યા હતા. જ્યારે મારા પિતાના મોબાઈલ ફોનથી અમે વીજળીનું બિલ ચેક કર્યું, તો તેમાં જાણવા મળ્યું કે વીજળીનું બાકી બિલ 7.33 કરોડ રૂપિયા છે. તેને ટૂંક સમયમાં ભરો. અમને આ જોઈ અમારા હોશ ઉડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગયા મહિને 75000ની આસપાસ વીજળીનું બિલ બાકી હતું, જેનો મેસેજ પણ મોબાઈલ પર આવ્યો હતો. એક મહિના બાદ કરોડોનું બિલ આવી ગયું.

ફરિયાદ કરી હોવા છતાં કોઈએ સાંભળ્યું નહીં
ખેડૂતના દીકરાએ આગળ જણાવ્યું કે મારી માતાને જે જ્યારે આ બિલ વિશે ખબર પડી તો તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. અમે તેની ફરિયાદ પણ નોંધાવી છે કે અમારા ઘરે 1 કિલોવોટનું કનેક્શન છે. ખાલી પંખા અને બલ્બ વાપરવાથી આટલું બધું બિલ કઈ રીતે આવી શકે. હવે આ લોકો અમારું સાંભળી રહ્યા નથી. અમે ખૂબ મુશ્કેલીમાં છીએ. એક સામાન્ય માણસ આટલા બધા પૈસા ક્યાંથી ભરી શકે.

તેમજ આ મામલે વીજળી વિભાગના કર્મચારીએ જણાવ્યું હતું કે આ મામલો અમારા ધ્યાનમાં છે. અમે સ્થાનિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે વીજળીનું બિલ ટૂંક સમયમાં સેટલ કરવામાં આવે.