હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ સંબંધમાં જીવન ટૂંકાવવું કે કોઈનો જીવ લેવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. હાલમાં એક પ્રેમિકાએ તેના પ્રેમીનું ગળું કાપીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. 4 વર્ષથી લિવ-ઈન (Live-in)માં રહેતી ગર્લફ્રેન્ડને તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ પ્રેમિકાએ અસ્તરા વડે પ્રેમીનું ગળું કાપી નાખ્યું હતું. આ સિવાય લાશને ફ્લેટમાં 24 કલાક સુધી છુપાવીને રાખવામાં આવી હતી. આ પછી મહિલા લાશને સૂટકેસમાં ભરી તેનો નિકાલ કરવા જઈ રહી હતી ત્યારે પોલીસે તેને પકડી લીધી.
મળતી માહિતી અનુસાર, આરોપી મહિલાનું નામ પ્રીતિ છે. તેના લગ્ન દીપક યાદવ સાથે થયા હતા. પરંતુ વિવાદ બાદ પ્રીતિએ તેના પતિને છોડી દીધો હતો. લગભગ 4 વર્ષથી પ્રીતિ ફિરોઝ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી. ફિરોઝ સંભલનો રહેવાસી હતો. ફિરોઝ દિલ્હીમાં હેર ડ્રેસિંગનું કામ કરતો હતો. તેમજ બંને ગાઝિયાબાદના ટીલા મોર વિસ્તારના તુલસી નિકેતનના ફ્લેટમાં રહેતા હતા. આ દરમિયાન 6 ઓગસ્ટના રોજ શનિવારે મોડી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પ્રીતિએ ફિરોઝની હત્યા કરી નાખી હતી.
જાણવા મળ્યું છે કે, પ્રીતિએ આ હત્યા કરવા માટે અસ્તરાનો ઉપયોગ કર્યો હતો. તેણે ફિરોઝની ગરદન પર ઘા મારી તેની હત્યા કરી હતી. ધરપકડ બાદ પ્રીતિએ પોલીસની પૂછપરછ દરમિયાન કહ્યું, ‘હું વધુ સમય સુધી લિવ-ઈનમાં રહેવા માંગતી ન હતી. ફિરોઝ મને વારંવાર લગ્ન કરવાનું કહેતો હતો. જેને લઈને શનિવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. ફિરોઝે મને કહ્યું કે તું તો ચાલુ મહિલા છે, જો તું તારા પતિની ના થઇ તો મારી શું થઇશ. મને આ વાતનો ગુસ્સો આવ્યો. ઘરની અંદર રાખેલા અસ્તરા વડે તેણે ફિરોઝનું ગળું કાપી દીધુ.
આ પછી પ્રીતિ 7 ઓગસ્ટ રવિવારના રોજ ગાઝિયાબાદના સીલમપુર વિસ્તારના બજારમાં ગઈ હતી. અહીં તેણે મોટી સાઇઝની સૂટકેસ ખરીદી અને ઘરે આવીને તેણે લાશને સૂટકેસમાં રાખી દીધી. ગાઝિયાબાદના એસએસપીએ જણાવ્યું કે, ‘આરોપી મહિલા રવિવારે રાત્રે લગભગ 3.30 વાગ્યે સૂટકેસ ખેંચીને તેના ફ્લેટમાંથી નીચે આવી હતી. જ્યારે તે ઓટોની રાહ જોઈ રહી હતી. ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની એક પેટ્રોલિંગ ટીમ ત્યાંથી બહાર આવી હતી. અચાનક પોલીસને જોઈને તે ડરી ગઈ. તેના હાથમાંથી સૂટકેસ પડી ગઈ હતી.’
પોલીસને જોતાની સાથે જ મહિલા ગભરાઈ જતા પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસકર્મીઓએ સૂટકેસ ખોલી તો તેની અંદરથી લાશ મળી આવી હતી. મૃતક ફિરોઝના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી અને પ્રીતિની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ આ અંગે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.