વાહ રે પોલીસ, અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા પર એક યુવકને 500 ની જગ્યાએ 10 લાખનો મેમો મળ્યો

A’bad e-challan: રસ્તા પર બાઈક અથવા સ્કુટી ચલાવતા પહેલા આપણે આપણા માથે હેલ્મેટ સારી રીતે પહેરવું જોઈએ. કારણકે તેનાથી આપણી રક્ષા થાય છે. જોકે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે કાયદો આપણને પાઠ ભણાવવા માટે પોતે પણ ભૂલ કરી બેસે છે. આવો જ એક કિસ્સો (A’bad e-challan) આજકાલ ગુજરાતથી અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ભૂલને કારણે 500 રૂપિયાનું ચલણ 10 લાખ રૂપિયાનું બની ગયું.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક કાયદાના વિદ્યાર્થી અનિલ હડીયાના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેને ખબર પડી કે હેલ્મેટ ન પહેરવાને કારણે 500 રૂપિયાનું ચલણ કોર્ટની વેબસાઈટ પર 10 લાખ રૂપિયાનું બતાવતું હતું. અનિલ હડીયા ગત 7 એપ્રિલના રોજ શાંતિપુરા સર્કલ પાસે હતો. જ્યાં તેને એક ટ્રાફિક પોલીસે રોક્યો અને 500 રૂપિયાનું ચલણ આપ્યું હતું. અનિલએ જણાવ્યું હતું કે આ દરમિયાન પોલીસે મારો ફોટો અને મારો લાયસન્સ નંબર લીધો હતો અને કહ્યું કે તમારે ઓનલાઇન ચલણ ભરવાનું રહેશે. થોડા દિવસો સુધી મને તે યાદ હતું પરંતુ ત્યારબાદ હું ભૂલી ગયો હતો.

કેવી રીતે બન્યું દસ લાખનું ચલણ?
થોડા મહિના બાદ જ્યારે હું મારા વાહન સાથે આરટીઓ કચેરી પહોંચ્યો તો મને જણાવ્યું કે મારા નામ પર ચાર ચલણ છે. જેમાં ત્રણ ચલણ સામાન્ય હતા અને ઓનલાઈન ભરી શકાય તેમ હતા. પરંતુ ચોથું ચલણ દસ લાખથી વધારેનું હતું. આ જોઈ મારા પગ નીચેથી જમીન સરખી ગઈ. ત્યારબાદ મને ઓઢવ પોલીસ પાસેથી કોર્ટનું સમન્સ મળ્યું. જેને લઇ તેણે મીડિયા ને કહ્યું હતું કે હું ચોથો સેમેસ્ટરમાં કાયદાનો વિદ્યાર્થી છું અને મારા પિતા એક નાના વેપારી છે. જો મને 10 લાખ રૂપિયા ભરવાનું કહેવામાં આવે તો હું કઈ રીતે ભરીશ?

જ્યારે તપાસ કરવામાં આવી તો અનિલ ઉપર મોટર વિહીકલ એક્ટની ધારા 194 ડી અંતર્ગત આ ચલણ નોંધાયું હતું. જેમાં ચલણ વાળી ગાડીનું વજન નક્કી કરેલી મર્યાદા કરતા વધારે બતાવાઈ રહ્યું હતું, જ્યારે આ મામલો તો હેલ્મેટ ન પહેરવાનો હતો. આ મામલે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી અને ચૌધરીએ કહ્યું કે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને અમે કોર્ટને સૂચિત કરીશું અને આ ભૂલને સુધારીશું. હાલમાં અધિકારીએ એ સ્પષ્ટ નથી કર્યું કે આ ભૂલ કયા સ્તર પર થઈ હતી.