શામળાજી હાઇવે પર અકસ્માતમાં યુવાનના મોત બાદ રોષે ભરાયેલાં સ્થાનિકોનો ચક્કાજામ, પોલીસની ગાડીને ચાંપી દીધી આગ

Himmatnagar Shamlaji Highway: સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત નિપજ્યા બાદ ગ્રામજનો લાલઘુમ થઈ ગયા હતા, જે બાદ ગ્રામજનોએ હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં(Himmatnagar Shamlaji Highway) પણ આગ ચાંપી હતી. જે બાદ ગાભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

નેશનલ હાઈવે 8 પર અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 8 પર અજાણ્યા વાહને ટક્કર મારતા ગામડી ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં યુવકના પરિવારજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઈવેની બંને બાજુ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસનો કાફલો દોડી આવ્યો
ગ્રામજનોએ હાઈવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મુકીને બંને બાજુથી રોડને બ્લોક કરી દીધો હતો. આ અંગેની જાણ થતાં ગાભોઈ પોલીસની ટીમની ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ટોળાએ કાયદાની એસીકી તેસી કરીને રસ્તા પર જ ટાયર સળગાવ્યા હતા. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ પણ તોડી નાખ્યા હતા.

ટોળાએ કર્યો પથ્થરમારો
તો ટોળાએ ડીવાયએસપીની ગાડી પર પણ આગચંપી કરી છે. હાઈવે પર ટોળાએ કાયદો હાથમાં લેતા પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ આ આખી સ્થિતિ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોની આ છે માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે, અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાય ઓવર બનાવવામાં આવે.