ગદર 2 ની સફળતા બાદ સન્ની દેઓલે બોર્ડર 2 ની કરી જાહેરાત- જુઓ ટીઝર

Border 2 Film: એક્શનનો બાદશાહ અને દેશભક્તિની ફિલ્મોનો સૌથી મોટો હીરો સની દેઓલ ફરી એકવાર ધૂમ મચાવવા જઈ રહ્યો છે. ગદર 2 થી જબરદસ્ત કમબેક કરનાર સની દેઓલ પોતાની જૂની ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. સની દેઓલે ટ્વીટ કર્યું છે કે આ વખતે ‘બોર્ડર 2’(Border 2 Film) આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે અને અનુરાગ સિંહ આ ફિલ્મના નિર્દેશક છે. 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત હતી. આ વખતે સની દેઓલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં ન તો ટીઝર છે કે ન તો ટ્રેલર પરંતુ સનીના અવાજ હતો.

સની દેઓલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તેનો અવાજ છે. આ વીડિયોમાં સની દેઓલ કહે છે, ’27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. એ જ વચનને પૂર્ણ કરવા તેઓ ફરી આવી રહ્યા છે, ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યા છે. જેમ જેમ વિડિયો સમાપ્ત થાય છે તેમ, સોનુ નિગમના અવાજમાં ‘સંદેશ આતે હૈ…’ વાગે છે, જે એક જ વારમાં બધી યાદો તાજી થઇ જઈ છે.

સની દેઓલે 1997માં આવેલી ફિલ્મ ‘બોર્ડર’માં મેજર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવી હતી. તેમના સિવાય સુનીત શેટ્ટી, અક્ષય ખન્ના, જેકી શ્રોફ, તબ્બુ, સુદેશ બેરી, કુલભૂષણ ખરબંદા, પૂજા ભટ્ટ, રાખી ગુલઝાર, પુનીત ઈસરાર, રણજીત બેદી અને રમના વાધવન જેવા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં સની દેઓલે બોર્ડર 2ની સ્ટાર કાસ્ટને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.

વાસ્તવમાં, આ ફિલ્મ વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત હતી. ફિલ્મના ગીતો, દેશભક્તિના સંવાદો અને સંગીતે દાયકાઓ સુધી પ્રેક્ષકો અને દેશભક્તોમાં મહત્વની ઓળખ જાળવી રાખી હતી. આજે પણ ‘સંદેશ આતે હૈં…’ ગીત લાખો લોકોને ભાવુક બનાવે છે. તે સમયે ફિલ્મે 65 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ ગીતકાર (જાવેદ અખ્તર), શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (હરિહરન) અને રાષ્ટ્રીય એકીકરણ પરની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો.