વધુ એક રેલ અકસ્માત: એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; જાણી લો કયા રાજ્યમાં ટ્રેન સેવા થઇ પ્રભાવિત?

અગરતલા- લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ (Agartala–Lokmanya Tilak Terminus Express) પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માત માલીગાંવ પાસે થયો હતો. જોકે, કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી નથી. ટ્રેન નંબર 12520 અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ આજે સવારે અગરતલાથી નીકળી હતી. લુમડિંગ ડિવિઝન હેઠળના લુમડિંગ-બરદારપુર હિલ સેક્શનના ડિબ્લોંગ સ્ટેશન પર લગભગ 03.55 વાગ્યે પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. પાવર કાર અને એન્જિન સહિત ટ્રેનના 08 (આઠ) ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું કે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ આસામના દિબાલોંગ સ્ટેશન પર બપોરે લગભગ 3.55 વાગ્યે પાટા (agartala train accident) પરથી ઉતરી ગઈ, કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ લુમડિંગથી અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે. આ સાથે ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ પણ બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર નજર રાખવા માટે હાજર છે. લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. લુમડિંગમાં હેલ્પલાઇન નંબરો 03674 263120, 03674 263126 છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જે કોચ પાટા પરથી ઉતરી ગયા તેમાં ટ્રેનની ‘પાવર કાર’ (જનરેટરનો ભાગ) અને એન્જિનનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન હિલી સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે 11 ઓક્ટોબરના રોજ તમિલનાડુમાં ચેન્નઈ નજીક કાવરાપેટ્ટાઈ ખાતે એક એક્સપ્રેસ ટ્રેન ઉભી રહેલી ટ્રેન સાથે અથડાઈ હતી. વરિષ્ઠ અધિકારીઓની ટીમને જાણવા મળ્યું કે ઇન્ટરલોકિંગ સિસ્ટમના યાંત્રિક ભાગો ખુલ્લા છે.