સરકારના મહેસુલ વિભાગને ચૂનો ચોપડનાર AM/NS કંપનીને ફટકારાયો રૂપિયા 106 કરોડનો દંડ

AMNS- INDIA fined for 106 cr

AM/NS- INDIA fined for 106 cr: સુરતના હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (AM/NS- INDIA)એ 6.30 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા 106 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 1990ની સાલથી એસ્સાર સ્ટીલ કંપની દ્વારા દબાણ કરી પ્લાન્ટ અને નંદનિકેતન ટાઉનશિપ ઉભી કરવામાં આવી હતી, જે એસ્સાર સ્ટીલ કંપની ખરીદ્યા બાદ એમએનએસ દ્વારા યથાવત રાખવામાં આવ્યુ હતું, બીજી તરફ તેનો વિસ્તાર વધારાતો હતો.

18 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
હજીરા ખાતે સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની હમણાં વિવાદોનું ઘર બની ગઈ છે, 25 દિવસ પહેલાં કલેક્ટર ગેરકાયદે જમીનોના દબાણ બદલ 18 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી વખત સુરત જિલ્લા કલેક્ટર દ્વારા 6.30 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ કરવા બાબતે અધધધ 106 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ 90 દિવસમાં ભરભાઈ નહીં કરે તો મિલકત જપ્ત કરી લેવામાં આવશે. છેલ્લાં 34 વર્ષથી 6.30 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જો કરાયો હતો. આ બાબત સુરત જિલ્લા કલેક્ટર અને મામલતદારમાં ધ્યાનમાં આવતા નોટીસ આપી પુરાવા રજૂ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

25 દિવસ પહેલાં 18 કરોડનો દંડ
25 દિવસ પહેલાં જ એએમએનએસ કંપનીને કલેક્ટર દ્વારા 18 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચોર્યાસી મામલતદારને 18 ફરિયાદો મળી હતી, જેમાંથી 10 ફરિયાદો એમએમએનએસ વિરૂદ્ધ હતી. જો કે આ તપાસમાં સાબિત થયું હતુ કે, કંપનીએ જમીન પર બિનઅધિકૃત કબજો કર્યો હતો, જે સરકારના નિયમો મુજબ દંડનીય ગુનો છે.

એએમએનસ કંપની દબાણ-દુર્ઘટનાઓથી વિવાદોનું ઘર બની
બે મહિના પહેલા જ એમએમએનએસ કંપનીમાં ફર્નેશનો સેફ્ટી વાલ્વ ન ખુલતાં પ્રેશર વધ્યું હતું અને બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. કંપનીના મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગત 25મી જાન્યુઆરીએ ફરી વખત લિફ્ટ તૂટી પડતાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.