અમદાવાદના વધુ એક નશેડીએ લીધો માસુમનો જીવ: પુરપાટ ઝડપે આવતી કાર બાઇકને ટક્કર મારી પાન પાર્લરમાં ઘૂસી

Ahmadabad accident:  અમદાવાદમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ બે અકસ્માતો થયા છે. માનવ મંદિર પાસે ગત રાતે એક કારચાલકે ઝડપથી ચાલતી કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો, જેના પરિણામે કાર બે વાહનોને અડફેટે લેતા પાન પાર્લરમાં (Ahmadabad accident) ઘૂસી ગઈ. આ ઘટનામાં પાન પાર્લર પાસે ઉભેલા યુવકનું મોત થયું છે. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત કરનાર કારચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

એક્ટિવા અને બાઈકને ટક્કર માર્યા પછી કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ
અમદાવાદ શહેરના માનવ મંદિર પાસે રાતે 10:30 વાગ્યાની આસપાસ એક સ્વિફ્ટ ગાડીનો ચાલક ઝડપથી આવી રહ્યો હતો. કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કારે એક્ટિવા અને બાઇકના ચાલકોને ટક્કર મારી. બંનેને ટક્કર માર્યા પછી કાર વિજય પાન પાર્લરમાં ઘૂસી ગઈ. આ દરમિયાન પાન પાર્લર પાસે ઉભેલા 27 વર્ષીય કલ્પેશ સોલંકીને પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કલ્પેશ અને બંને વાહન ચાલકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

કારમાં બેઠેલો વ્યક્તિ દારૂ પીધેલી સ્થિતિમાં મળી આવ્યો
સારવાર દરમિયાન કલ્પેશ સોલંકીનું મૃત્યુ થયું છે જ્યારે બે લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કારમાં બેઠેલા એક વ્યક્તિને ધરપકડ કરી છે. કારમાં બેઠેલો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સોલા બ્રિજ પર ફોર્ચ્યુન હોટલની સામે એક કારચાલકે એક્ટિવાને ટક્કર મારી
 બીજા એક બનાવમાં, વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેતા પરેશ પાલિયા નામના એક મધ્યવયસ્ક વ્યક્તિ એક્ટિવા લઈને રાતે નોકરીથી પરત આવી રહ્યા હતા, ત્યારે રાતે 1:45 વાગે સોલા બ્રિજ પર ફોર્ચ્યુન હોટલની સામે ફોર વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી. પરિણામે, પરેશભાઈ નીચે પડી ગયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કારચાલક, જે નેક્ષોન ગાડી ચલાવી રહ્યો હતો, અકસ્માત પછી ફરાર થઈ ગયો. આ મામલે એસ.જી.-1 ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.