Organ Donation in Surat: મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન(Organ Donation in Surat) કરાવવામાં આવ્યું છે. અમેરિકાની નાગરિકતા ધરાવતા NRI લેઉવા પટેલ સમાજના સુરેશ મોતીરામ પટેલ બ્રેઈનડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી,સુરેશના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા
મૂળ બારડોલીના બાબેનગામના રહેવાસી સુરેશભાઈ મોતીરામ પટેલ 1983માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ પોતાની મોટલ શરૂ કરી હતી. આ વર્ષે અમેરિકા થી 18 ડિસેમ્બર 2023ના રોજ પરિવાર સાથે બાબેન ગામ, બારડોલી ખાતે આવ્યા હતા. તા. 5 માર્ચના રોજ સુરેશભાઈ સવારે 10:30 કલાકે પોતાના ઘરે નાસ્તો કરી બેઠા હતા, ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. પરિવારજનોએ તેઓને તાત્કાલિક બારડોલી ખાતે હોસ્પિટલમા દાખલ કરી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી
વધુ સારવાર માટે પરિવારજનોએ તેઓને સુરતની INS હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.ફરી એક વખત CT સ્કેન અને CT બ્રેઈન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં સોજો હોવાનું હોવાનું નિદાન થયું હતું.તા. 7 માર્ચના રોજ ન્યુરોસર્જનએ સુરેશને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ત્યારબાદ ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, સુરેશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુરેશના પુત્રો હિરેન અને મિતેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી
પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો
સુરેશભાઈના પુત્રો હિરેન અને મિતેશએ જણાવ્યું કે, વર્ષ 2014માં અમારા પિતરાઈ ભાઈની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી, ત્યારે અમારા કાકા ભરતભાઈએ તેને કિડનીનું દાન આપ્યું હતું અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. કિડની નિષ્ફળતાની બીમારીની પીડા શુ હોઈ છે? તે અમે સારી રીતે સમજીએ છીએ. અમારા પિતા સુરેશભાઈએ અમને કહ્યું હતું કે, જો હું બ્રેઈનડેડ થાઉં તો મારા અંગોનું દાન જરૂરથી કરવું.આજે જયારે ડોકટરોએ અમારા પિતાને બ્રેઈનડેડ જાહેર કર્યા છે, ત્યારે સમગ્ર પરિવારજનોએ અમારા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. સુરેશભાઈના પરિવારમાં પત્ની મંજુલાબેન (64) અને પુત્રો હિરેન (42) અને મિતેશ (39) રહે. મિસિસિપી, અમરિકા ખાતે મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
લિવર અમદાવાદની KD હોસ્પિટલને ફાળવવામાં આવ્યું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા ડોનેટ લાઈફની ટીમ દ્વારા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની KD હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. લિવરનું દાન અમદાવાદની KD હોસ્પિટલના ડૉ. અમિત શાહ, ડૉ. રીતેશ પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓડીનેટર નિખિલ વ્યાસ, કૃણાલ મહિડા અને તેમની ટીમે સ્વીકાર્યું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું
ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની KD હોસ્પિટલમાં બાલાસિનોર, મહીસાગરના રહેવાસી (40) વર્ષીય વ્યક્તિ માં અમદાવાદની KD હોસ્પીટલમાં ડૉ. દિવાકર જૈન, ડૉ. વિમલ રંગરાજન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. લિવર સમયસર અમદાવાદ KD હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર અને રાજ્યના વિવિધ શહેર તથા ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1208 અંગો અને ટીસ્યુઓનું દાન કરાયું
ઉલ્લેખનીય છે કે, હ્રદય, ફેફસા, નાનું આતરડું, હાથ, લિવર, કિડની, જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 114 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1208 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 494 કિડની, 214 લિવર, 50 હૃદય, 46 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 391 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1109 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App