દશેરાએ ગરબા લઇ ઘરે જઈ રહેલો યુવાન ઇકો કારે ટક્કર મારતા મોતને ભેટ્યો

Arvalli News: મેઘરજમાં દશેરાની રાત્રીએ બાઈક ઉપર બેસીને ગરબા જોઈને પરત આવતા બાઈકને મેઘરજની સીમમાં આવેલ વાત્રક નદીના પુલ ઉપર એક ઈકો ગાડીએ ટકકર મારતાં બાઈક ઉપર સવાર ચાર યુવાનો પૈકી છેલ્લે બેઠેલ યુવાન ઉછળીને પુલની 50 ફૂટ ઉંડે નીચે નદીમાં ફેંકાઈ જતાં તેનુ ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતાં મોડાસા સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માત થતા ઈકો ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.

ઈકો કારે બાઈકને ટકકર મારી
આ અંગે મળતી માહિતી મુજબ દશેરાની રાત્રીએ રાહુલ પરથીભાઈ કોટવાલ, અજમલ કાળાભાઈ કોટવાલ, અશોક ડાહયાભાઈ કોટવાલ ત્રણે રહે.ગોઢ(મેવડા) તથા સંજય કનુભાઈ પગી રહે. સીસોદરા બાઈક ઉપર બેસી ગરબા જોઈને મેઘરજ તરફ આવી રહ્યા હતા.આ ચારેય સવારો બાઈક લઈને મેઘરજની સીમમાં આવેલ વાત્રક નદીના પુલ ઉપર આવ્યા તે સમયે રાત્રીના સાડા બાર થયા હતા. આ બાઈક સવારો પુલ ઉપર આવ્યા ત્યાં સામેથી પુરઝડપે આવતી એક ઈકો કારે બાઈકને ટકકર મારતાં બાઈ ઉપર સવાર ચાર સવારો પૈકી બાઈક ઉપર છેલ્લે બેઠેલ અશોક ડાહયાભાઈ કોટવાલ નામનો યુવક બાઈક ઉપરથી ઉછળીને 50 ફૂટ નીચે નદીમાં પડતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ
જે બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને નદીમાં પડેલ યુવકને પોલીસની રાહબરી હેઠળ જાગૃત યુવકો અને જાગૃત નાગરિકો દ્વારા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત તમામ યુવકોને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઉપરથી નદીમાં ખાબકેલ યુવકને તબીબે મૃત જાહેર કર્યો હતો. અન્ય ઈજાગ્રસ્ત યુવકોને વધુ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મેઘરજ પોલીસે જીજે 01 એચવી 4715ના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.