ભોળેનાથની ભક્તિ બની મોંઘી: શ્રાવણ માસ શરૂ થતાંની સાથે જ ફૂલોના ભાવમાં થયો ધરખમ વધારો

Shravan month 2024: શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે. જેને લઇને ફૂલોનો ભાવ આસમાનો પહોંચી જવા પામ્યો છે. રાજ્યમાં અચાનક જ ફૂલોના ભાવમાં 20થી 30 ટકા સુધીનો વધારો થયો છે. અમદાવાદનાં ફૂલ બજારમાં ફૂલોનો ભાવ વધતા ભક્તોની ભક્તિમાં(Shravan month 2024) ખલેલ પડી છે.

થોડા સમય પહેલા જે ફૂલનાં ભાવ 50 થી 60 રૂપિયા કિલો હતા. એના આજે ભાવ 250 સુધી પહોંચ્યા છે. ત્યારે એકાએક ભાવ વધતા ગુલાબનો હાર રૂા. 50 ની જગ્યાએ હવે 70 રૂપિયામાં વેચાય રહ્યા છે. ફૂલોનો ભાવ અચાનક વધી જતાં વેપારીઓએ જણાવ્યું કે, રાજયમાં ફૂલનું પ્રોડક્શન ઓછું થતા ભાવમાં વધારો થયો છે.

હાલમાં મહારાષ્ટ્રનાં નાસિકમાંથી ફૂલોની ઓછી આવકનાં કારણે ગુલાબનાં ગોટા, પીળા ફૂલ અને કેસરી ગોટાનાં ભાવમાં વધારો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે સૂકા ફૂલનો ભાવ વધવા પામ્યો છે ત્યારે ભીના ફૂલનો ભાવ એકમદ તળિયે જોવા મળી રહ્યો છે. ભીના ફૂલ જલદી ખરાબ થઈ જવાના કારણે ભીના ફૂલની કિંમત ઘટી છે.

શ્રાવણ માસમાં ફૂલોનાં ભાવમાં 20 થી 30% નો વધારો
ફૂલના ભાવ વધવા પાછળનું કારણ જણાવતાં વેપારીએ કહ્યું કે ચારેય તરફ વરસાદ હોવાના કારણે ફૂલોના ભાવમાં વધારો થયો છે. ઈન્દોર, ઉજ્જૈનમાંથી જે ફૂલો મંગાવવામાં આવે છે તે ફૂલો વેચાશે કે નહિ તેને લઈને વેપારીઓમાં મૂંઝવણમાં છે. તહેવારના સમયે જ ફૂલોનો ભાવ વધતા ભક્તોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.