BAPS Walkathon USA: ગત સપ્તાહે સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બી.એ.પી.એસ. ચેરિટીઝ વૉક-રન 2025’ (BAPS Charities Walk- Run 2025) હેઠળ અમેરિકામાં 100થી વધુ શહેરોમાં 45,000થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
આ અનોખી પહેલમાં સમ્મિલિત થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ આયોજન જે-તે શહેરના નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની એક અનોખી તક સમાન હતું.
આ વૉક-રન દ્વારા 50થી વધુ સ્થાનિક સંસ્થાઓને સહાયતા આપવામાં આવી હતી, જેમાં ફાયર અને પોલીસ વિભાગો, નિવૃત સૈનિકો, વૃદ્ધોનાં સેવાકેન્દ્રો, મહિલાઓ અને નિરાશ્રિતો માટે કાર્યરત સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનસિક આરોગ્ય, કેન્સર સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા ક્ષેત્રે કાર્યરત 20થી વધુ આરોગ્ય-કેન્દ્રિત સંસ્થાઓ પણ આ આયોજનથી લાભાન્વિત થઈ હતી. અનેક શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ વૉક-રન દ્વારા જાગૃતિ અને સમર્થન પ્રાપ્ત થયું, જે આ પહેલના વ્યાપક પ્રભાવને દર્શાવે છે.
વિભિન્ન શહેરોમાં રહેલાં સ્વયંસેવકો અને પરિવારોના નમ્ર અને સંકલ્પબદ્ધ સેવાભાવે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં 16 વર્ષીય આરવ દુબલ હોય કે પછી લોસ એન્જલસમાં લાકડીના સહારે ભાગ લેનાર વૃદ્ધો હોય, આબાલ-વૃદ્ધ સૌ કોઈ આ આયોજનમાં હોંશભેર જોડાયા હતા.
આ વર્ષે, વૉક-રનની થીમ હતી: “સ્પિરિટ ઓફ સર્વિસ”, એટલે કે ‘સેવાની ભાવના’; જે દેશભરમાં યોજાયેલ આ વૉક-રનમાં પ્રતિબિંબિત થયેલી જોઈ શકાતી હતી.
આ આયોજન દ્વારા વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓને સહાય પ્રાપ્ત થઈ, જેમકે,
હ્યુસ્ટનમાં વૉક દ્વારા ‘NAMI ગ્રેટર હ્યુસ્ટન’ સંસ્થાને સહાય મળી, જે કોરોના બાદ બાદ માનસિક આરોગ્ય લક્ષી સંભાળની વધતી જરૂરિયાતના ક્ષેત્રમાં સેવા પૂરી પાડે છે. સાન હોઝેમાં સ્થાનિક શાળાઓ માટે જરૂરી ફંડ એકત્ર કરવા હજારો લોકો જોડાયા.
ઓર્લાન્ડોમાં કેન્સરગ્રસ્ત બાળકો માટે ફંડ રેઈઝ થયું, જ્યારે ડલાસમાં સેવાનિવૃત્ત સૈનિકોને સહાય-સંભાળ જાગૃતિ માટે સૌ એકત્ર થયા. ડેટ્રોઇટમાં સ્થાનિક સેવાસંસ્થાઓ માટે અને આલ્બેનીમાં ફાયર વિભાગને સહાય મળી. ફિલાડેલ્ફિયામાં વંચિત વિસ્તારો અને કોમ્યુનિટી સેન્ટર્સ માટે સહાય કરવામાં આવી.
NAMI ગ્રેટર હ્યુસ્ટનના CEO એન્જેલા હડસને જણાવ્યું, “બી.એ.પી.એસ. ચેરિટીઝ જેવી સંસ્થાઓ સમાજમાંથી માનસિક આરોગ્ય સંબંધિત સંકોચ દૂર કરવા અમૂલ્ય યોગદાન આપી રહી છે. અમે આપના પ્રયત્નોને બિરદાવીએ છીએ.”
લોસ એન્જલસમાં પ્રખ્યાત ભારતીય કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વોક રન 2025 ઇવેન્ટમાં ફંડ ડોનેશનમાં જોડાયા હતા.
એડિસન, ન્યૂ જર્સીના સહભાગી ભાર્ગવ આશિયરે ઉમેર્યું, “એક સારો વિચાર આવકારદાયક હોઈ શકે, પરંતુ તેના માટે કાર્ય કરવું જુદી વાત છે. આ સપ્તાહે અમેરિકાએ આ પહેલમાં જોડાઈને સાબિત કરી બતાવ્યું કે અન્યો પ્રતિ અનુકંપા, કરુણા કેવી રીતે સકારાત્મક બદલાવ લાવી શકે છે.”
આ પહેલના સમુદાય-કેન્દ્રિત આયોજનને કારણે દરેક શહેરમાં સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવામાં મદદ સાંપડી.
સુગર લેન્ડ(ટેક્સાસ)માં મેયર જો ઝિમ્મરમેને જણાવ્યું, “તમારું (બી.એ.પી.એસ. ચેરીટીઝનું) કાર્ય સુગર લેન્ડમાં નોંધપાત્ર અસર લાવી રહ્યું છે. તમારું પ્રદાન અગત્યનું બની રહ્યું છે.”
છેલ્લાં 20 વર્ષથી બી.એ.પી.એસ. ચેરિટીઝ આ રીતે સ્થાનિક સમુદાયોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રકારના આયોજનો કરતી આવી છે. અત્યાર સુધી ઉત્તર અમેરિકામાં 1,100થી વધુ વોક-રન યોજાઈ ચુક્યા છે.
બી.એ.પી.એસ. ચેરિટીઝના પ્રમુખ નીલકંઠ પટેલે આ પહેલને “સારપની સાર્વત્રિક અસર” તરીકે ગણાવી હતી. તેમણે ઉમેર્યું, “ન્યૂ યોર્કથી લઈને હ્યુસ્ટન અને સાન હોઝેથી ડેટ્રોઇટ સુધી, સેવાભાવનાથી કાર્યાન્વિત આ આયોજન એક એવી પ્રતિબદ્ધતા છે, જે સમગ્ર દેશમાં અનેક શહેરોમાં અનેક લોકોના જીવનને સ્પર્શે છે.”
જ્યારે સમાજમાં એકતા અને સંવાદિતાના સંદેશની તાતી જરૂર છે તેવા સમયે, આ પ્રકારના આયોજન દ્વારા હજારો લોકોએ તેમના સમુદાયને ઉત્કૃષ્ટ બનાવવાની દિશામાં તેમજ અનેક લોકોના જીવનને સાર્થક રીતે સ્પર્શવાની વિશિષ્ટ તક પ્રાપ્ત કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App