અમેરિકાના BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલે અને ન્યૂજર્સીના અનેક મેયરોનું ભાવપૂર્વક કરાયું સન્માન

Honoring several mayors at BAPS Akshardham in Robbinsville New Jersey: 5 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સીના અનેક મેયરોના પ્રતિનિધિમંડળનું સન્માન…

Honoring several mayors at BAPS Akshardham in Robbinsville New Jersey: 5 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સીના અનેક મેયરોના પ્રતિનિધિમંડળનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે ‘Celebrating Community’ નું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષરધામ ખાતે ન્યૂજર્સીના વિવિધ મેયરોની ઉપસ્થિતિ દર્શાવે છે કે અક્ષરધામ જેવા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રો કેવી રીતે સમાજમાં અનેકવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાના સેતુને મજબૂત કરીને સામાજિક સેવામાં અમૂલ્ય પ્રદાન આપી શકે છે.

BAPS ના ચેતન્યમૂર્તિદાસ સ્વામીએ અમેરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવના મૂલ્યોને રોબિન્સવિલ ટાઉનશીપની સહયોગની ભાવનામાં પ્રતિબિંબિત થયેલા જોઈ શકાય છે તે વિષયક વાત કરી. સ્વામીએ વધુમાં કહ્યું, જેઓ અક્ષરધામ પ્રોજેક્ટના પ્રખર સમર્થક રહ્યા છે તેવા રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ, રોબિન્સવિલ સમુદાય અને અક્ષરધામ વચ્ચે મજબૂત સંબંધને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાંસ્કૃતિક ઉત્થાન અને જાળવણી પ્રત્યે અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટેના તેમના અતૂટ સમર્થને અક્ષરધામ મહામંદિરને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ પોતાના સંબોધનમાં જણાવ્યું, “જયારે પણ મેં BAPS સંસ્થાનો સહયોગ માટે સંપર્ક કર્યો, ત્યારે તેઓ હંમેશા મદદ માટે તત્પર હતા, આ ભાવના માટે હું તેમનો અત્યંત ઋણી છું. અક્ષરધામ અને આ સમુદાય રૉબિન્સવિલ સમુદાયનો એક ભાગ બની ગયો છે. અમને ગૌરવની લાગણી છે અને આપના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સર્જન માટે રૉબિન્સવિલને પસંદ કર્યું. તમારા વિઝનથી તમે જમીનના એક ટુકડાને અકલ્પનીય રીતે વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરી દીધો છે. હું તેના માટે તમારો આભારી છું”

BAPS ના યોગનંદનદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, નાગરિક મૂલ્યો અને નૈતિક મૂલ્યના સિંચન માં અક્ષરધામની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ વરિષ્ઠ સંત ભક્તિપ્રિયદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશોને આધારે સમાજમાં એકતા અને સંવાદિતા સ્થાપવા સહનશીલતા અને ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવાની વાત કરી હતી.

BAPS ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેમના આશીર્વાદમાં એકતા અને સામાજિક ઉત્થાનની વાત દ્રઢ કરાવી હતી. તેમજ પરસ્પર સમજણ કેળવી સૌને આદર આપવાની દ્રષ્ટિ કેળવવાની વાત તેઓએ કરી હતી.

ન્યુ જર્સીના 14 મી લેજીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ ડેનિયલ આર. બેન્સને જણાવ્યું, આજે મેં જે ગતિશીલ પ્રેરણા અને પ્રગતિ અહીં જોઈ છે, તે નિ:સ્વાર્થ બલિદાન અને સેવાનો પુરાવો છે. એકબીજા સાથે હળી મળીને કાર્ય કરી રહેલા આ હજારો લોકો દર્શાવી રહ્યા છે કે, તમારી પાસે અખૂટ પ્રેરણા હોય તો કેવું સર્જન તમે કરી શકો!

વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠેએ જણાવ્યું, “જ્યારે લોકો પૂછતા હતા ‘વેસ્ટ વિન્ડસર’ ક્યાં છે? ત્યારે હું કહેતો હતો કે, તે પ્રિન્સટન યુનિવર્સિટીની બાજુમાં છે, પરંતુ હવે હું કહું છું કે, તે રોબિન્સવિલના BAPS અક્ષરધામની બાજુમાં છે. સમાજમાં, અત્યંત સામાન્ય વસ્તુઓ ઉપર 100 લોકો સાથે સહમત થવું પણ મુશ્કેલ હોય છે છે. જ્યારે અહીં, વિવિધ ઉંમરના, વ્યવસાયો અને સામાજિક-આર્થિક સ્તરના 12,500 થી વધુ લોકો સાથે મળીને, તેઓના વ્યક્તિગત જીવનથી ઉપર ઊઠીને આવા સુંદર સર્જનમાં પોતાનું યોગદાન આપે, તે સમાજ માટે ઉદાહરણરૂપ છે, બોધપાઠરૂપ છે.”

પેન્સિલવેનિયાના 111 મી લેજીસ્લેટિવ ડિસ્ટ્રિક્ટના રાજ્ય પ્રતિનિધિ જોનાથન ફ્રિટઝે જણાવ્યું, આજે તમારા સૌમાંથી વહી રહેલી અદભુત સારપ અને પ્રેમ સભર વાતાવરણમાં હું ગદગદ થઈ ગઈ છું. આ સમગ્ર સ્મારક આવી સઘળી શુદ્ધ ભાવનાઓનુ પ્રતીક છે.

ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ દ્વારા વિડીયો શુભેચ્છા સંદેશમાં જણાવવામાં આવ્યું કે, “BAPS સંસ્થાને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ભવ્ય લોકાર્પણ માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે અને આપણાં શહેરની સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું. આધ્યાત્મિકતા અને સેવા એકબીજામાં ઓતપ્રોત હોવા જોઈએ. હું પુનઃ આપને આ સીમાચિન્હરૂપ સફળતા માટે અભિનંદન પાઠવું છું.”

પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ યુએસ પ્રતિનિધિ, થોમસ મોરિનોએ જણાવ્યું, “હું એવું માનતો હતો કે, હું એક સારી વ્યક્તિ છું. પણ આ સ્થાનમાંથી વિદાય લેતી વખતે મારું હૃદય મને વધારે દયાળુ બનવાનું કહી રહ્યું છે. મારુ હૃદય કહી રહ્યું છે કે હું કેવી રીતે વધારે લોકોને મારા તરફથી કઇંક આપી શકું, કેવી રીતે મારા પાડોશી સાથે સંવાદ સાધી શકું, કેવી રીતે મુશ્કેલીમાં રહેલા કોઈ બાળકને મદદ કરી શકું. આજની આ ક્ષણો અસાધારણ અનુભૂતિ કરાવી રહી છે.”

8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના લોકાર્પણ સમારોહનું જીવંત પ્રસારણ: https://usa.akshardham.org/  લીંક પરથી દેશ વિદેશમાં લોકો માણી શકશે જેનો સમય અમેરિકમાં 4:45 pm to 8 pm (USA), અને ભારતમાં વહેલી સવારે 9 તારીખે 2:15 am to 5:30 am (India) રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *