ગુજરાતમાં ભગવંત માનનો હુંકાર: “કોંગ્રેસ કોમામાં જતી રહી છે, રાજ્યને ડબલ નહિ, વિકાસ કરનાર એન્જિનની જરૂર છે”

ગુજરાત(gujarat): આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર થોડા જ દિવસો બાકી રહી ગયા છે અને આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. આજે ગુજરાતમાં જે પરિવર્તનની હવા વહી રહી છે તેનો સૌથી મોટો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાતની જાગૃત જનતાને જાય છે. આમ આદમી પાર્ટી રોડ શો, વિજય સંકલ્પ યાત્રા, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન, જનસભા અને પદયાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જનતાની વચ્ચે જઈ રહી છે અને ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડી રહી છે. આ કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુધી તમામ લોકો મહેનત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ભગવંત માન ગુજરાતના વિવિધ શહેરોમાં મોટા-મોટા રોડ શો કરી રહ્યા છે. ગઈકાલે પણ ભગવંત માનએ ગીર સોમનાથના વેરાવળ, તાલાલા અને જૂનાગઢના માણાવદરમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે લોકોને પૈસા આપવા પડે છે, પરંતુ તમે અમારું સારું શિક્ષણ, સારી હોસ્પિટલ, ખેડૂતોને MSP, આ બધાના નામ પર અહીંયા આવ્યા છો, જરૂર અમે પાછલા જન્મમાં સારા પુણ્ય કર્યા હશે, આ માટે હું તમારો આભારી છું. ગુજરાતની જનતાનો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એક પ્રત્યક્ષદર્શી છું કે મેં 7 મહિના પહેલા જોયું છે કે, જ્યારે લોકો આ રીતે ઘરની બહાર આવે છે, ત્યારે તેઓ પંજાબની જેમ સરકારને તોડે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકો મળી અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જે સામાન્ય ઘરમાંથી આવ્યા છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, હું પણ તેમાંથી એક છું. અરવિંદ કેજરીવાલએ સામાન્ય ઘરના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યો. શું બીજેપીના લોકો તમને ક્યારેય કોઈ પોસ્ટ પર બેસાડશે? અહીંયા તો તેમના સંબંધીઓ પુરા થતા જ નથી. સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે. જ્યારે તમે વોટ આપવા જાવ અને ઝાડૂનું બટન દબાવો તો સમજી લેજો કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છે.

હું એક સ્કૂલ ટીચરનો દિકરો છું. મને ખબર નહોતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બની શકીશ. હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો. આમ તો મારે કોઇ જરૂર નહોતી, આ મોટા લોકોની સામે પડવાની. પરંતુ હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા, પરંતુ આપણે આવી રીતે જ ઘરમાં બેસીને તેમને જોઈ શકતા નથી. એટલા માટે જ રાજનીતિમાં આવવું પડ્યું. ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહે છે, જ્યાં સુધી સારા લોકો તેમની વિરુદ્ધ ઉભા ન થાય, જાગે નહીં. થોડા વર્ષો સુધી જનતા શાંતિથી બેસી શકે છે, ધીરજ રાખી શકે છે અને દિલ પર પથ્થર મૂકીને જીવી શકે છે. પરંતુ 27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે.

જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સૂતી વખતે પણ ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી નથી થતી? શું આ માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝે લડાઇ લડી હતી કે, અંગ્રેજો જતા રહે અને આપણાવાળા લૂંટવા માટે આવી જાય. આ તેમના સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારું છે તો ડબલ એન્જિનની શું જરૂર છે? ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. જો એન્જીન પ્રમાણિક હોય અને ડબ્બામાં લૂંટ થતી હોય તો આવા એન્જીનનું શું કરવું? એન્જીન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.

પંજાબમાં અમે વીજળી ફ્રી કરી નાંખી, 50 લાખ ઘરોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. બીજી પાર્ટીના લોકો કહેતા હતા કે આ લોકો વીજળી ફ્રી કરશે, શિક્ષણ ફ્રી કરશે, હોસ્પિટલમાં સારવાર ફ્રી આપશે તો પૈસા ક્યાંથી આવશે? મને ખબર હતી કે પૈસા ક્યાંથી આવશે, પણ મેં તેમને કહ્યું નહીં. હવે હું કહેવા માંગુ છું કે પૈસા તેમના ખિસ્સામાં છે, તેમને જેલમાં મોકલવામાં આવશે અને તેમની પાસેથી પૈસા આવશે. જ્યારે બાળકો સરકારી શાળામાંથી ભણીને ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, ત્યારે હું માનીશ કે આઝાદી આવી ગઈ છે. નહિંતર, સ્વતંત્રતા તેમની લાલબત્તીની ગાડીમાં જ રહી ગઈ છે. આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે.

કોંગ્રેસ પાર્ટી તો ચૂંટણી લડવાનું જ ભૂલી ગઈ છે. કોંગ્રેસમાં એટલી ગરીબી આવી ગઈ છે કે, તે પોતાના ધારાસભ્યોને વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. કોંગ્રેસ કોમામાં જતી રહી છે તો કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ બગાડતા નહીં. ગુજરાતના લોકોએ પહેલા જોર લગાવીને કોંગ્રેસના લોકોને વોટ આપ્યા હતા પરંતુ આજે 22 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. જે લોકો તમારા વોટનો સોદો કરે છે, આવા લોકોને કદી પણ વોટ ન આપવો જોઈએ.

હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”. અહીંયા અન્ય પક્ષના લોકો તેમના ભાષણમાં શાળા અને હોસ્પિટલની વાત પણ કરતા નથી કારણ કે તેઓ આપણે અભણ જ રાખવા માંગે છે. એ લોકો જાણે છે કે જો કોઈ ગરીબનું બાળક ભણી ગણી લેશે તો તે મોટો અધિકારી બની જશે. અને જો બની ગયો તો ઘરની ગરીબી દૂર કરી દેશે. ગરીબી દૂર થઇ ગઇ તો નેતાઓના મોટા મોટા મહેલો સામે સવારમાં સવારમાં હાથ જોડીને કોઈ ઊભું નહીં રહે. એટલા માટે આ લોકો ગરીબ બાળકોને ભણવા નથી દેતા, બાકી આપણા બાળકોમાં ઘણી ક્ષમતા છે.

આજે હું તમને સૌને સૌથી મહત્વની વાત જણાવવા માંગુ છું કે, ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *