સુરતમાં આવેલું ભૂતમામાનું મંદિર છે ખુબ જ ચમત્કારી, જ્યાં લોકો સિગારેટ અને મગજ નામની મીઠાઈનો ધરાવે છે ભોગ

Unique Temple of Surat: આમ તો ભૂત એ એક જાતનો ભ્રમ છે. કોઈ કહે છે તેમણે ભૂત જોયા છે, તો કોઈ કહે છે ભૂત જેવુ કંઈ હોતુ નથી. આ તો શ્રદ્ધાનો વિષય છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે, જેમાં એક ભૂતનું મંદિર પણ છે.શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં વણઝારા ભૂતમામાનું એક નાનું મંદિર છે. જોવામાં ભલે આ એક નાનું મંદિર લાગે, પરંતુ ભક્તોની(Unique Temple of Surat) અસીમ શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છે કે, 130 વર્ષ પહેલા અહીં અકાળની સ્થિતિ સર્જાઈ હતી. જેતે સમયે અહીં વણઝારાઓની એક તોડકી અહીં રહેતી હતી. તે સમયે એક વણઝારાનું અવસાન થઈ ગયું હતું અને અહીં તેમની સમાધિ બનાવવામાં આવી હતી. ત્યારથી જ આ સ્થળને વણઝારા ભૂતમામા તરીકે ઓળખવામાં આવે છે.

સિગારેટ તેમજ મગજ નામની ખાસ મીઠાઈનો ભોગ ધરાવાય
અહી જે વૃક્ષ આવેલું છે તે વૃક્ષ પણ વર્ષો જૂનું છે, કહેવાય છે કે આ વૃક્ષ 130 વર્ષ કરતા પણ જૂનું છે અને વર્ષોથી અડીખમ ઉભું છે. લોકો અહી દર્શન કરવા આવે છે અને માનતાઓ રાખે છે. માનતાઓ પૂર્ણ થતાં લોકો અહી સિગારેટ તેમજ મગજ નામની ખાસ મીઠાઈનો ભોગ ધરાવે છે.કહેવાય છે કે, ભૂતમામા મંદિરમાં આવનારા લોકોની માનતાઓ પૂર્ણ કરે છે અને માનતા પૂર્ણ થયા બાદ લોકો એમને સિગારેટ અર્પણ કરતા હોય છે.

લોકો દેશી દારૂની પણ બાધા રાખતા હોય છે
ખાસ કરીને સારી નોકરી માટે પણ લોકો મગસની મીઠાઈની બાધા રાખતા હોય છે. જે લોકો માનસિક રીતે ત્રાસી ગયેલા હોય તેઓ પણ આ બાધા રાખે છે. મગસની મીઠાઈ અંગે ખૂબ જ ઓછા લોકોએ સાંભળ્યા હશે. કારણ કે, આ ખાસ પ્રસંગે જ ખાવામાં આવતી મીઠાઈ હોય છે. મગજ ચણાનો લોટ અને ડ્રાયફ્રુટ તેમ જ સાકરથી તૈયાર થનાર મીઠાઈ છે. કેટલાક લોકો એવા પણ છે, જેઓ દેશી દારૂની પણ બાધા રાખતા હોય છે. તેમની માનતા પૂર્ણ થઈ જાય તો તેઓ દેશી દારૂ પણ અહીં ચઢાવીને જાય છે.

સિગારેટ ચડાવીએ છીએઃ
મંદિરની સંભાળ કરનારાએ જણાવ્યું હતું કે, આ 130 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે. અમારા પરદાદા અહીં પૂજા કરતા હતા. અમે એમને કુલદેવતા તરીકે માનીએ છીએ. આ વણઝારા ભૂતમામાનું મંદિર છે. એટલે અમે એમને ભૂતમામા મંદિર પણ કહીએ છીએ. અગાઉ અમારા જે પરદાદા હતા. તેઓ બિડી ચડાવતા હતા, પરંતુ હવે અમે સિગારેટ ચડાવીએ છીએ. કોઈ પણ મનોકામના રાખી અને પૂર્ણ થઈ જાય તો લોકો સિગારેટ ચડાવે છે.

મંદિરની અંદર સિગારેટ મૂકવામાં આવતી નથી
સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, ભૂતમામા સામે સિગારેટ સળગાવીને ત્રણ વખત તેમના મોઢા પાસે સિગારેટ પીવડાવવામાં આવે છે અને મંદિરની બાજુમાં કુંડું મૂકવામાં આવ્યું છે. તેમાં સળગાવેલી સિગારેટ મૂકવામાં આવે છે. જોકે, મંદિરની અંદર સિગારેટ મૂકવામાં આવતી નથી. એની પાછળ કારણ છે કે, લોકો માટે તેઓ પૂજનીય છે અને જ્યાં તેમનો વાસ છે ત્યાં ગંદુ ન થાય.