મહીસાગર ડબલ મર્ડર કેસમાં થયો ચોકાવનારો ખુલાસો: હત્યાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો 

મહીસાગર(ગુજરાત): આજકાલ હત્યાના કેસો ઉકેલવામાં પોલીસને સફળતા મળી રહી છે. ત્યારે પાંચમી ઓગસ્ટના રોજ લુણાવાડાના પાલ્લા ગામ ખાતે બીજેપીના નેતા અમે તેમના પત્નીની થયેલી હત્યાનો કેસ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પૈસાની લેતીદેતીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાની શક્યતા રહેલી છે. હત્યારો મૃતકની સામે જ રહેતો હતો. બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યાના જિલ્લા અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, લુણાવાડા ડબલ મર્ડર મામલે પોલીસ દ્વારા સોમવારે મૃતક ત્રિભોવનભાઈ પંચાલના મિત્ર ભીખા પટેલની ધરપકડ કરવામાં આવી છે. ભીખા પટેલ મૃતક ત્રિભોવન પંચાલની સામે જ રહે છે. આ બનાવ લુણાવડાના ગોલાના પાલ્લા ગામ ખાતે બન્યો હતો. ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે કે, પૈસાની લેતીદેતીમાં ત્રિભોવન પંચાલના ખાસ મિત્ર ભીખા પટેલે બેવડી હત્યા કરી હતી. મહીસાગર પોલીસ દ્વારા આ મામલે ભીખા પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાંચમી ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે, મહીસાગર જિલ્લાના લુણાવડાના પાલ્લા ગામ ખાતે બીજેપી નેતા ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ગુનો ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત, નેતાના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે, મૃતકનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, “મહીસાગરમાં અજાણ્યા શખ્સોણ દ્વારા પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરવામાં આવી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.”

આ ઘટનાને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રિભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત, તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા.

આ અંગે ગામ લોકોનું કહેવું હતું કે, ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા અને તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન પણ ન હોઈ શકે. ત્રિભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *