હવે ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે ફિંગર પ્રિન્ટ આપવા પડશે. જો તમે ફિંગર પ્રિન્ટ આપી નહીં હોય તો તમને બેઠક પણ નહીં મળે. ભારતીય રેલવેએ જનરલ ડબ્બામાં આરક્ષણ વિનાના મુસાફરો માટે આ નવી વ્યવસ્થા ઊભી કરી હતી. રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે હવે વહેલા તે પહેલાના ધોરણે મુસાફરોને બેઠક મળશે.
આમ રેલવે દ્વારા નવી બાયોમેટ્રિક સીસ્ટમ શરૂ કરાઇ છે. મુંબઇથી લખનઉ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આની શરૂઆત કરાઇ હતી. નવી સીસ્ટમમાં ડબ્બાની બહાર બાયોમેટ્રિક મશીન ગોઠવાશે જેમાં આંગળી રાખતા જ મુસાફરને કઇ બેઠક મળી તેની જાણકારી મળી જશે. આ મશીનમાં એટલી જ બેઠકો રિઝર્વ થશે જેટલી કોચમાં જગ્યા હશે.
જો કે મોડે મોડે પણ કોચ સુધી પહોંચનારને ટ્રેનમાં ચઢવાની તક તો મળશે જ. પરંતુ તેમને ઊભા રહીને અથવા ક્યાં નીચે બેસીને મુસાફરી કરવી પડશે.જનરલ કોચમાં થથી ભારે ભીડના કારણે આ વ્યવસ્થા ગોઠવાઇ છે.
જો કે પરિસ્થિતિ તો પહેલાં જેવી જ રહેશે, છતાં પ્રથમ ટ્રેન પુષ્પકની સમીક્ષા કર્યા પછી આગળની કાર્યવાહી કરાશે.જો કે લોકોને ડર એ વાતનો છે કે તેમના ફિંગરપ્રન્ટ સરકાર પાસે જતાં તેનો દુરૂપયોગ પણ થઇ શકે છે. મુસાફરોની ગોપનીયતા છુપી રહેશે નહીં.
એક વાર સરકાર પાસે ડેટા પહોંચી જતા તેના દુરૂપયોગની શક્યતા નકારી શકાય નહીં. જો કે સરકાર ડેટાની ચોરી ના થાય અથવા તો તેનો ગેરઉપયોગ ના થાય તેના માટે અત્યારે કોઇ જ વિચાર કર્યો નથી, એમ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું. બીજુ એ કે દરેક ટિકિટધારકને જો ડબ્બામાં પ્રવેશ મળે તો ભીડ તો એટલી જ રહેશે.