ભાજપનો તોડજોડનો બનાવેલો બંગાળનો મહેલ ફરી તૂટ્યો- જાણો કયા સાંસદએ પાછું જોઈન કર્યું તૃણમૂલ કોંગ્રેસ

Published on: 5:52 pm, Sat, 18 September 21

બંગાળ(Bengal): પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો(Babul Supriyo)એ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે TMC ના મહાસચિવ અભિષેક બેનર્જી(Abhishek Banerjee) અને પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયન(MP Derek O’Brien)ની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસ(Trinmool Congress)માં જોડાયા છે. બાબુલ સુપ્રિયોને તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ દરમિયાન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. સુપ્રિયો બંગાળની આસનસોલ(Asansol MP) બેઠક પરથી સાંસદ છે. સુપ્રિયો એવા સમયે તૃણમૂલમાં જોડાયા છે જ્યારે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી ચાલી રહી છે, જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) પોતે ઉમેદવાર છે.

બાબુલ સુપ્રિયોને આશરે બે મહિના પહેલા રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, ભાજપના ભૂતપૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, તેઓ કોઈ પણ પક્ષમાં જોડાશે નહીં અને રાજકારણ છોડી દેશે. બાદમાં તેમણે સંસદ સભ્ય રહેવાનું સ્વીકાર્યું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ જીત્યા બાદ બાબુલ સુપ્રિયો પાંચમા નેતા છે, જેમણે ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અન્ય ચાર નેતાઓ ધારાસભ્ય છે. બાબુલ સુપ્રિયોનું તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનું ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં 43 નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા અને ઘણા મંત્રીઓને દૂર કરવામાં આવ્યા. સુપ્રિયો કેબિનેટ છોડનારાઓમાં પણ હતા અને ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે. સુપ્રિયોએ જુલાઈના અંતમાં એક ફેસબુક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે હું કોઈ પાર્ટીમાં જવાનો નથી. હું એક ટીમ ખેલાડી છું અને હંમેશા એક ટીમને સપોર્ટ કર્યો છે. જોકે, હવે સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસ સાથે છે.

સુપ્રિયોએ વર્ષ 2014 માં ભાજપ સાથે રાજકીય દાવની શરૂઆત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં તેમની જીત બાદ તેમને શહેરી વિકાસ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, જુલાઈમાં કેબિનેટમાં ફેરબદલ થાય તે પહેલા તેઓ પર્યાવરણ રાજ્ય મંત્રીના પદ પર હતા. જો કે, તે જ વર્ષે, તેઓ ટોલીગંજ વિધાનસભા બેઠક પરથી બંગાળ વિધાનસભાની ચૂંટણી 50,000 મતોથી હારી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.