વડોદરા(ગુજરાત): વડોદરામાં બોગસ PSI એ એક વ્યક્તિને થાંભલો પકડીને પ્લાસ્ટિકની પાઇપથી ઢોરમાર માર્યો હોવાનો બનાવો સામે આવ્યો છે. બોગસ PSI એ પત્ની સામે જ વેપારી પતિને માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વિડીયો વાઈરલ થતાની સાથે જ જિલ્લા પોલીસ એકશનમાં આવી હતી. ત્યારબાદ આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસે વેપારીની ફરિયાદના આધારે બોગસ PSI વિરુધ ગુનો નોંધીને અટકાયત કરી છે. જોકે, તાલુકા પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવાને બદલે કસ્ટડીની બહાર બેસાડી વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી.
વર્ષ-2017માં વડોદરાના ભાયલીમાં વેપારી ભ્રુગેશ ઠાકુર 6 લાખ રૂપિયા વેપાર કરવા માટે સુરતના પંકજભાઇ પાસેથી ઉછીના લીધા હતા. પરંતુ, ધંધામાં ખોટ જતા સમયસર નાણાં ચૂકવી શક્યા ન હતા. તેથી નાણાં ધીરનાર પંકજે ઉઘરાણીનું કામ સિદ્ધાર્થ હરીપરાને આપ્યું હતું. આ વ્યક્તિએ 7 મહિના પહેલા પોતે પોલીસ અધિકારી હોવાનું જણાવી ભ્રુગેશ અને તેની પત્ની પાસે નાણાંની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસ હોવાનું જણાવી અવારનવાર સિદ્ધાર્થ હરીપરા ભ્રુગેશને માર મારીને કડક ઉઘરાણી કરતો હતો. પરંતુ, ગુરૂવારે રાત્રે સિદ્ધાર્થે પોલીસ સ્ટાઇલમાં ભ્રુગેશને તેની જ સોસાયટીના થાંભલો પકડાવી પ્લાસ્ટિકની પાઇપથી માર મારવામાં આવ્યો હતો. પત્ની સામે જ પતિને માર મારતા હોવાથી પતિને માફ કરવા માટે પત્નીએ બોગસ PSI સામે કરગરતી રહી હતી. પરંતુ, તોય સિદ્ધાર્થે માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બીજી બાજુ આ સમગ્ર ઘટના સોસાયટીના જ એક વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.
ત્યારબાદ પોલીસને જાણ કરતા આરોપી સિદ્ધાર્થને તાલુકા પોલીસે તેની ધડપકડ કરી હતી. પોલીસે તેની વિરુધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આરોપીને પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવાના બદલે તેને કસ્ટડી બહાર રાખી વીઆઇપી સગવડ આપવામાં આવતી હોવાની વાત જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇએ તપાસનો આદેશ બહાર પાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.