ગુજરાત પોલીસે લોકોને હેલ્મેટ પહેરતા તો કરી દીધા, પરંતુ આ બેફામ કાર ચાલકોનું શું? હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત

Rajkot hit and run: ગુજરાતમાં નબીરાઓ જાણે બેફામ બન્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વડોદરા, ગાંધીનગર અને દમણમાં તેજ રફતારના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રવિવારે રાત્રે ફરી રાજકોટમાંથી આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં (Rajkot hit and run) રવિવારે (16 માર્ચ) રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તે જતાં ત્રણ લોકોને કચડી નાંખ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ત્રણ લોકોને અડફેટે લીધાં, 1નું મોત
રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરવા જતાં ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલ ઉનડકટ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટે લીધા હતાં. તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જેમાં સારવાર દરમિયાન વડીલ પ્રફુલ ઉનડકરનો મોત નિપજ્યું છે અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તબીબોના જણાવ્યા અનુસાર, 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું છે.

પોલીસે હાથ ધરી તપાસ
મળતી માહિતી મુજબ, આરોપીનું નામ ઋત્વિચ પટોળીયા છે. અકસ્માત દરમિયાન તેની ગાડી 100 થી 120ની સ્પીડે દોડી રહી હતી. સ્થાનિકોનોા જણાવ્યા અનુસાર, કારચાલક પોતે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. જોકે, સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ શરૂ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતી પણ બેઠી હતી. પરંતુ, અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી. નોંધનીય છે કે, હજુ સુધી કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.

અન્ય અકસ્માતમાં 2ના મોત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિરમગામ-માંડલ રોડ પર માલનપુર ગામના પાટીયા નજીક 2 કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માલનપુર ગામના પાટીયા નજીક વેગેનાર કાર અને ટાટા ટીયાગો કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.