MRI સેન્ટરના ચેન્જિંગ રૂમમાં લગાવ્યો કેમેરો, સ્ટાફના જ મોબાઇલમાં મળી આવ્યા કપડાં બદલી રહેલ મહિલાના વિડીયો

Jodhpur hidden camera in hospital: રાજસ્થાનના જોધપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાજ્યની સૌથી મોટી હોસ્પિટલોમાંની એકના ન્યુરો વોર્ડમાં એક મહિલા દાખલ હતી અને તે દરમિયાન તે MRI કરાવવા ગઈ હતી. ડ્રેસ બદલતી વખતે મહિલાને ખબર પડી કે (Jodhpur hidden camera in hospital) ચેન્જિંગ રૂમમાં એક છુપાયેલો કેમેરા લાગેલો છે. આ માહિતી મળતા જ સમગ્ર હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. મહિલાએ આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.

જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલના ન્યુરો વોર્ડમાં દાખલ એક મહિલાનો MRI કરાવવાનો હતો. જ્યારે મહિલાને MRI લેબમાં મોકલવામાં આવી ત્યારે કપડાં બદલતી વખતે તેને શંકા ગઈ કે ક્યાંક છુપાયેલો કેમેરા લાગેલો હશે. જ્યારે મહિલાએ જોયું તો ત્યાં એક કેમેરા લાગેલો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલના મેનેજર અને પોલીસને આ અંગે ફરિયાદ કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે સિક્યુરિટી ગાર્ડ રહીમુદ્દીન અબ્બાસીએ પોતાનો મોબાઈલ ફોન ચેન્જિંગ રૂમમાં છુપાવી રાખ્યો હતો.

આરોપી ગાર્ડની ધરપકડ
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને શાંતિ ભંગ કરવાના આરોપસર રહીમુદ્દીનની ધરપકડ કરી. મહિલાના પરિવારે હવે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવાની સાથે, પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આવી ઘટનાઓ પહેલા ક્યારે બની છે. આવી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વીડિયો બનાવવાનો હેતુ શું હતો.

બે વર્ષથી હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સુરક્ષા ગાર્ડ છેલ્લા બે વર્ષથી હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો. હવે જોવાનું એ છે કે તે કેટલા સમયથી ચેન્જિંગ રૂમમાં પોતાનો મોબાઈલ છુપાવીને વીડિયો બનાવી રહ્યો હતો. ઉપરાંત, તે આ વીડિયોનું શું કરી રહ્યો હતો.