Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે દર્શન-શાસ્ત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલમાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી. આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે.
ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે દર્શન-શાસ્ત્ર કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPSના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસસ્વામીએ ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું હતું કે, આજે ભારતભરની તમામ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા વિદ્ધાન કુલપતિઓનું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાગત છે.
ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે.ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃત ને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ છે વચનામૃત.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ:
શંકરસિંહ વાઘેલાએ જણાવતા કહ્યું હતું કે, ગાંધી, સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવ ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.
મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમારે પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ:
વિજયકુમારે જણાવતા કહ્યું હતું કે, આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું ભાવુક થઈ ગયો કારણ કે, અહી એકસાથે મોટી સંખ્યામાં પ્રેરણાદાયી અને મનોહર પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણાને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને અહી બાળકો સંસ્કૃતમાં નગરની માહિતી આપી રહ્યા હતા તે લોકોને જોઈને હું દ્રઢપણે માનું છું કે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે.
આધુનિકતા અને ટેકનોલોજી નો આધ્યાત્મિકતા સાથેનો સુભગ સમન્વય એ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે.અહી ૮૦,૦૦૦ સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે પરંતુ માત્ર ૨ કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે.
મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે. આજે ભારતના તમામ સંસ્કૃત વિદ્યાલયોના કુલપતિઓએ પ્રમુખસ્વામી મહારાજ ને “સનાતન ધર્મ જ્યોતિ” નામનો વિશેષ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.
ભારતના સુપરકોમ્પ્યુટરના જનક, નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકરે પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ:
વિજય ભાટકરે જણાવતા કહ્યું હતું કે, આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે.પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે.આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દ્રઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદભૂત અનુભૂતિ થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.