પાકિસ્તાની મીડિયામાં ફફડાટ, ચેનલો બતાવી રહી છે આતંકી મસૂદ અઝહરના મદ્રસા પર હુમલાની સ્ટોરી

Attack on terrorist Masood Azhar’s madrasa: ભારતે મંગળવાર અને બુધવારની રાત્રી દરમિયાન 1:30 વાગ્યે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. સેનાના જોઈન્ટ ઓપરેશનમાં ઘણી મિસાઈલો પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકી વિસ્તાર પર છોડવામાં આવી હતી. ભારતીય સેનાએ બહાવલપુર, કોટલી અને મુજફ્ફરાબાદમાં હુમલા કર્યા હતા. તેમાં સૌથી મોટો હુમલો બહાવલપુરમાં (Attack on terrorist Masood Azhar’s madrasa) કરવામાં આવ્યો. આ હુમલામાં આતંકી મસૂદ અઝહરની મદ્રેસા સંપૂર્ણ રીતે તબાહ થઈ ગઈ છે. પાકિસ્તાની મીડિયા ચેનલએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનના એક ટીવી ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે બહાવલપુરમાં મોલાના મસૂદ અઝહરના મદ્રાસામાં ચાર મિસાઈલો છોડવામાં આવી હતી. મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યાં પાકિસ્તાન સેનાના જવાન અને અન્ય સિક્યુરિટી પહોંચી ચૂકી છે. આકાશ સંપૂર્ણ રીતે લાલ દેખાઈ રહ્યું છે. ત્યાંના લોકો ડરેલા છે. આખી મદ્રેસા નષ્ટ થઈ ચૂકી છે. આ દુર્ઘટનામાં એક બાળકનું મૃત્યુ થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. ત્યાં તમામ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગાડીઓની અવર-જવર નથી થઈ રહી.

હુમલાબાદ બહાવલપુરમાં બાકી બચેલા મદ્રેસા હવે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર દેખાયા હતા. પાકિસ્તાનથી એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક યુવક દાવો કરી રહ્યો છે કે તમામ મદ્રેસા ખાલી કરવામાં આવી રહ્યા છે. અડધી રાત્રે રોડ પર અફર તફરીનો માહોલ દેખાઈ રહ્યો છે.

મૌલાના મસૂદ અઝહર કોણ છે?
મૌલાના મસૂદ અઝહર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા છે. જૈશ-એ-મોહમ્મદે વર્ષ 2019 માં ભારતના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. તે હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ ઉપરાંત, પઠાણકોટ એરબેઝ હુમલામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે. મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેને વર્ષ 1999 માં કંદહાર વિમાન હાઇજેક પછી ભારત છોડવું પડ્યું હતું. 24 ડિસેમ્બર 1999 ના રોજ, કેટલાક આતંકવાદીઓએ 178 મુસાફરોને લઈ જતું IEC-814 વિમાન હાઇજેક કર્યું હતું. બદલામાં, તેઓએ મસૂદ અઝહર સહિત ત્રણ આતંકવાદીઓને છોડવાનો સોદો કર્યો હતો. તેની મુક્તિ પછી, મસૂદ અઝહર પાકિસ્તાન ગયો. અને પછી ત્યાંથી તેણે આતંકવાદી કાવતરાં શરૂ કર્યા.

વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે
ભારત ઘણા સમયથી આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. અને વર્ષ 2019 માં, ભારતને આમાં સફળતા મળી જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો.