ચાઇનાના HMPV વાયરસનો ભારતમાં પ્રવેશ: જાણો ક્યાં નોંધાયો પ્રથમ કેસ?

HMPV First Case in India: ચીનમાં HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આ વાયરસે ચીનથી બહાર પણ પોતાના પગ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે. જી હા ચીનના HMPV વાયરસે હવે ભારતમાં દસ્તક આપી છે. ભારતમાં એક સાથે HMPVના બે કેસ (HMPV First Case in India) સામે આવ્યા છે. ત્રણ મહિના અને આઠ મહિનાના બે બાળકોમાં HMPVની પુષ્ટિ થઈ ચૂકી છે. HMPVના આ બંને કેસ મળવાથી સમગ્ર ભારતમાં હડકંપ મચ્યો છે.

શું છે HMPV વાયરસ?
HMPV એટલે કે હ્યુમન મેટાપન્યુમો વાયરસ એક RNA વાઇરસ છે. આ વાયરસ કોરોના જેવો જ છે. HMPV વાયરસ સ્વસન તંત્ર પર અસર કરે છે. તેની અસર સામાન્ય રીતે ઠંડીમાં જોવા મળે છે. આ વાયરસ ફ્લૂની જેમ જ ફેલાય છે. ચીનમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને પોતાનું રુદ્ર રૂપ દેખાડ્યું છે. ચીનની હોસ્પિટલોમાં ખૂબ ભીડ થઈ ગઈ છે. જોકે હજુ સુધી ચીન આ માનવા તૈયાર નથી. આમ તો આ વાયરસ 1958થી ધરતી પર છે. પરંતુ વૈજ્ઞાનિકોએ 2001 માં તેની પ્રથમ વખત પુષ્ટિ કરી હતી. હજુ સુધી આ વાયરસની કોઈ વેક્સિન બની નથી.

HMPV વાયરસના લક્ષણો
આ વાયરસના લક્ષણો કોરોના વાયરસને મળતા આવે છે. આ વાયરસ વધારે વૃદ્ધો અને બાળકો પર હુમલો કરે છે. આ વાયરસમાં ફેફસાની નળીઓમાં ઇન્ફેક્શન જોવા મળે છે. તેનાથી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ આવે છે. ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને થાક લાગે છે. આ વાયરસ લાગુ પડવાથી નાકમાંથી પાણી વહે છે.

ભારત એલર્ટ મોડ પર
ભારતમાં ટૂંક સમયમાં જ કુંભમેળાનું મોટું આયોજન થનાર છે. એવામાં ભારતમાં આ બે કેસ નોંધાવાથી આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. જો આ વાયરસ આ કુંભમેળામાં ફેલાયો તો સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. મહારાષ્ટ્રનું સ્વાસ્થ્ય વિભાગ પણ સચેત છે. એટલું જ નહીં કેરળ અને તેલંગાણાની સરકારોએ પણ કહ્યું કે ચીનમાં વાયરલ તાવ અને શ્વાસ સંબંધીત રોગોમાં મોટા પાયે કેસ નોંધાવવાને પગલે ખૂબ બારીકિથી નજર રાખવામાં આવી રહી છે.

હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ એ નાગરિકોને સલાહ આપી છે કે ડરો નહીં પરંતુ સાવધાન રહો. અધિકારીઓને પણ શરદી અને ખાંસી ધરાવતા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વચ્છતાનું પાલન કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.