ગુજરાત: માતાજીની આરાધનાનું પર્વ પૂરી થાય એનાં પહેલા જ એક ગીતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતાં દૃશ્યો જોવા મળતાં વિવાદનો સૂર ઊઠ્યો છે. ગાયક રાહુલ વૈદ્ય (Singer Rahul Vaidya) તથા ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) ના આલ્બમ ‘ગરબે કી રાત’માં માતાજીના ગરબાના ગીત સાથે અશોભનીય દૃશ્યો બતાવાતાં ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે.
ગીતના વિરોધમાં કલાકારો પણ મેદાનમાં ઉતરી ગયા છે. રાજકોટમાં સાયબર ક્રાઈમ અંતર્ગત ફરિયાદ નોંધવાની અરજી કરવામાં આવી છે. આની ઉપરાંત માઁ મોગલ તથા માઁ મેલડીના આ ગીતમાં ગરબા સાથે અશ્લીલ ડાન્સ-દૃશ્યો આવતાં સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાયો છે. આ મુદ્દે લોક ગાયક કિર્તીદાન ગઢવી જણાવે છે કે, આવી ગંદી હરકતવાળા ગીતને તાત્કાલિક હટાવો!
યુવાનો તથા સમાજ પર ખોટી અસર પડે છે : કિર્તીદાન ગઢવી
લોક ગાયક કિર્તીદાન ગઢવી જણાવે છે કે, હાલમાં માતાજીના ગરબા ચાલી રહ્યા છે. આ ગીતમાં મેલડી માતા તથા મોગલ માતાના નામે જે ગીત રજૂ કરાયું છે તે ખુબ જ અશ્લીલ છે તથા તેનું ચિત્રણ પણ અશ્લિલ છે. જેનાથી યુવાનો તથા સમાજ પર ખોટી અસર પડી રહી છે. ગરબામાં જે ડાન્સ તેમજ કપડા પહેર્યા છે તે ખુબ જ અશ્લીલ છે તેમજ આવા દ્રશ્યોને તાત્કાલીક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ રહેલી છે.
આખો વિવાદ શું છે?
‘ગરબે કી રાત’ ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈ ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો” આ શબ્દનો ઉપયોગ કરાયો છે પરંતુ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ રહેલી છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે કે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય: રાજભા ગઢવી
લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહકે મોકલ્યું હતું તેમજ ગીતમાં વર્ણવાયેલા શબ્દો તથા ડાન્સને લઈ ખુબ મોટો વિરોધના શૂર રેલાયા હતા. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને ખુલ્લો આપતાં કહ્યું છે કે, આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે.
આની સાથે જ હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો હતો કે, યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ, આ ગીતને લઈ અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ગીતની ઝાટકણી કાઢીને માફી માંગવાની વાત જણાવી રહ્યા છે.
ઠેંસ પહોંચાડવાનો ઇરાદો ન હતો: રાહુલ વૈદ્ય
આ ગીતને લઈ થયેલ વિરોધમાં બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય માફી માગતા જણાવે છે કે, મોગલ માતાના નામને લઇ અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના તેમજ કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો ન હતો, આ ભૂલ અજાણતા થઇ ગઈ છે, જેને લઈ હું જેની લાગણી દુભાઈ હોય એમની માફી માગું છું.
માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં આ ગીત બનાવ્યું હતું કે, જેમાં મોગલ માતાનો ઉલ્લેખ કર્યો છે તે શબ્દને હું હટાવી દઇશ, શિન – રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.
વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ:
જો કે, મોગલધામ લુવારિયાના વહીવટકર્તા તેમજ મૂળ લાઠી તથા હાલ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવે સાયબર ક્રાઈમમાં અરજી કરતાં જણાવે છે કે, હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાઈ એવા પ્રકારના વીડિયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, રાહુલ વૈદ્યના વીડિયોમાં દેવી-દેવતાઓનું અપમાન કરતું કન્ટેન્ટ રહેલું છે. માતાજીના ગીતમાં બીભત્સ ચેનચાળા તેમજ અંગ પ્રદર્શનનાં દૃશ્યો મુકવામાં આવ્યા છે. તેમણે સાયબર ક્રાઈમના અધિકારી સમક્ષ વીડિયો બનાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.