ગોંડલમાં જયરાજસિંહ અને જાટ યુવકના મોતનો વિવાદ: હાઈકોર્ટમાં આ તારીખે સુનાવણી

Gondal Rajkumar Jat Case: રાજકુમાર જાટના મોતને એક મહિના જેટલો સમય થઈ જવા છતાં પણ હજુ સુધી પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સામે કોઈ કાર્યવાહી (Gondal Rajkumar Jat Case) કરવામાં આવી નથી. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે મોટો હુંકાર કર્યો છે. રતનલાલ જાટે કહ્યું કે મારો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજીમાં 9 એપ્રિલે સુનવણી કરશે તેવું જસ્ટિસે જણાવ્યું હતું.

ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે, મૃતક યુવકનાં પિતાએ હવે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. માહિતી અનુસાર, મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે જ તપાસમાં પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેમના દીકરાને બચાવતી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે.ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ અરજીમાં આજે મુદ્દત પડી હતી. જેમાં જસ્ટિસ દિવ્યેશ જોશીએ 9 એપ્રિલે સુનવણી કરશે તેવું જણાવ્યું હતું.

તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ
હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, અરજદાર દ્વારા અગાઉ સમગ્ર ઘટનાનાં સંપૂર્ણ CCTV ફૂટેજ જાહેર કરવાની માગ પણ કરાઇ હતી છતાં, હજું સુધી જાહેર કરાયા નથી. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફૉરેન્સિક પોસ્ટમોર્ટમમાં વિસંગતતા
ગોંડલમાં મૃતક યુવક રાજકુમાર જાટના મોત બાદ સત્તાવાર રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફૉરેન્સિક પોસ્ટમોર્ટમમાં વિસંગતતા જણાઈ હતી. ફૉરેન્સિક રિપોર્ટમાં મૃતક યુવકના શરીર પર કુલ 42 ઈજાઓ હોવાનો ઉલ્લેખ હતો, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર 17 ઈજાઓ હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

જેથી મૃતક યુવકના પરિવારજનોએ પોતાના વ્હાલસોયાની હત્યાને અકસ્માતમાં ખપાવાનો આરોપ મૂકી તટસ્થ તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. પરિવારે પહેલા સીબીઆઈ તપાસ, પોલીસની કામગીરી મુદ્દે અરજી કરી છે. આ ઉપરાંત પીએમ અને ફૉરેન્સિક રિપોર્ટ અંગેનો હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે.