દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરાનું બંટી બબલીએ 20 લાખમાં બાટલીમાં ઉતારી દીધો

વડોદરા(Vadodara): અવાર-નવાર ચર્ચાનો વિષય બનતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ(MLA Madhu Srivastava)ના દીકરાને ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી બંટી બબલીએ 20 લાખનો ચુનો લગાવ્યો છે.  બંટી બબલી ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા અમદાવાદના વકીલના પુત્ર અને તેની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. આ ભેજાબાજ દંપતિએ ધારાસભ્યના પુત્રને એમ.જી.કંપનીમાંથી ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી હતી. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના દંબગ ધારાસભ્ય કહેવાતા મધુ શ્રીવાસ્તવના પુત્ર અને માજી કોર્પોરેટર દિપક શ્રીવાસ્તવ હાલ ખેતી તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવે છે. તેઓનો પરિચય કીર્તન ભરત રાવ સાથે થયો હતો. ગત જુલાઈ 2021 દરમિયાન દીપકભાઈ એમ.જી કંપનીની કાર વેચાણથી ખરીદવા માંગતા હતા. ત્યારે મિત્ર કીર્તને જણાવ્યું હતું કે, મોરિસ ગેરેજ કંપનીમાં મારી મોટી ઓળખાણ છે. ઉદયપુર રાજસ્થાન ખાતે આવેલા એમ.જી કંપનીના ગોડાઉનમાંથી સીધી કાર અપાવીશ.

કિર્તને વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારી પત્ની બીજલ બારોટ માઈક્રોસ્કોસ્મ એલએલપી લિમિટેડ નામે ભાગીદારી પેઢી ધરાવે છે. તે પેઢી થકી કારનું બુકિંગ કરાવવાથી કંપની તરફથી સારું ડિસ્કાઉન્ટ મળશે. કંપની અમને કાર આપે તે બાદ તમારા નામે ટ્રાન્સફર કરી કાર તમારા ઘરે પહોંચાડી દઇશું. આ દરમિયાન દીપકભાઈએ આ પેઢીમાં બે તબક્કે રૂપિયા 20 લાખની રકમ જમા કરાવી હતી. જે અંગેની રશીદ માંગતા ઉદયપુર ખાતે એમ.જી કંપની ગ્લોસ્ટર કાર બુકિંગ માટે માત્ર રૂપિયા 50 હજારની રશીદ મોકલી હતી. અને ત્રણ દિવસમાં કાર મળી જશે તેવી ખાતરી આપી હતી.

જોકે સપ્તાહનો સમય વિત્યા બાદ પણ કાર નહીં આવતા દીપકભાઈએ બાકીના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા છે કે કેમ તેની રશીદ માંગતા કીર્તનભાઈ ગોળ ગોળ વાતો કરી કંપનીમાં કોરોનાના કારણે સ્ટાફ અપૂરતો હોવાના પગલે માંગ મુજબ પુરવઠો ઉપલબ્ધ ન હોવાનું રટણ કરી કાર માટે રાહ જોવી પડશે તેવું જણાવતો હતો.

20 લાખની રકમ અને કાર પરત ન કરતા વડોદરા મહાનગર સેવા સદનના ભાજપાના માજી કાઉન્સિલર અને વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે પાણીગેટ પોલીસ મથકમાં ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલ પુત્ર કિર્તન ભરત રાવ અને બિજલ બારોટ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે ભેજાબાજ દંપતિ સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *