જામનગરમાં રસોઈની સામગ્રીમાંથી બનાવ્યા મસાલેદાર ગણપતિ- મહોત્સવમાં બનશે આકર્ષણનું કેન્દ્ર

થોડા દિવસ બાદ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યના જામનગર શહેરમાં બેડી ગેટ પાસે છેલ્લાં 25 વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે અનેકવિધ પ્રકારના સંદેશો આપવામાં આવે છે કે, જેમાં સામાજિક, દેશભક્તિ પર્યાવરણનો સંદેશની સાથે પંડાલમાં રચના કરવામાં આવતી હોય છે.

દર વર્ષે અલગ-અલગ સંદેશો આપે એવી મૂર્તિનું સર્જન થાય છે:
દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવને ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’માં પણ સ્થાન મળ્યું છે. દેવા દગડુશેઠ ગણપતિ સાર્વજનિક ગણેશોત્સવમાં આ વર્ષે રસોડામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીમાંથી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવાનો નવતર પ્રયોગ કરાયો છે.

જેમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. શહેરમાં આવેલ બેડી ગેટ વિસ્તાર નજીક કડિયા વારમાં દગડુશેઠ ગણપતિના પંડાલમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં ગણેશભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. પંડાલમાં દર વર્ષે અલગ-અલગ સંદેશો આપે એવી મૂર્તિનું સર્જન કરવામાં આવતું હોય છે કે, જેમાં પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય, બેટી બચાવો, દેશભક્તિ તથા શિક્ષણ જેવા સામાજિક સંદેશો આપતી ગણેશની મૂર્તિ મૂકાય છે.

મૂર્તિ બનાવવાનું કામ પૂર્ણતાના આરે:
ગત વર્ષે કોરોનાને લીધે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થયું ન હતું. જો કે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો નોધાતાં આયોજકોએ કાગળની મૂર્તિ પર રસોઈમાં વપરાતી સામગ્રી, જેમ કે જીરું 2 કિલો, રાઈ 1.5 કિલો, ધાણા 2.5 કિલો, બાદિયાન 1 કિલો, મરી 500 ગ્રામ, તજ 250 ગ્રામ, લવિંગ 500 ગ્રામ, એલચી 500 ગ્રામ, તમાલપત્ર 250 ગ્રામ, લાલ મરચાં 2 કિલો, હળદર 1.5 કિલો, હિંગ 200 ગ્રામ, મેથી 250 ગ્રામ, મીઠું 1 કિલો, વરિયાળી 1.5 કિલો, કોકમ 200 ગ્રામ વગેરેનો ઉપયોગ કરી ગણેશજીની 5 ફૂટની મૂર્તિ બનાવી છે.

મૂર્તિનું વજન ફક્ત 22 કિલો:
મૂર્તિ બનાવવા માટે પૂઠા તથા કાગળની પસ્તીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણપતિની મૂર્તિનું વજન 22 કિલો જેટલું થશે. ગણપતિજીની મૂર્તિની સાથે જ ઉંદર તેમજ પંડાલમાં થીમ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં નાના-મોટા થઇને 6 જેટલા હાથીનો પરિવાર હશે કે, જે લોકોને જાગૃતિ માટે ઉદાહરણ પૂરું પાડશે.

અગાઉ પણ 5 રેકોર્ડ બનાવ્યા:
વર્ષ 2012માં ગણપતિ ઉત્સવમાં એઇટ વન્ડર્સ ગ્રુપ એ સતત 5 વર્ષ સુધી રેકોર્ડ સર્જીને ગિનીસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ગ્રુપ દ્વારા વર્ષ 2012માં 145 કિલોની મેગા ભાખરી, વર્ષ 2013માં 1,11,111 લાડુ જયારે વર્ષ 2014માં 51.6 ફૂટની અગરબત્તી, વર્ષ 2015માં 2766 ચો.ફૂટની ગણેશ પ્રતિમા થમ્બ પેઇન્ટિંગ તથા વર્ષ 2017માં 791 કિલોનો ખીચડો બનાવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *