દિલ્હી દરબારમાં સાવરણો વેર વિખેર: BJP અઢી દાયકા બાદ સત્તા પર આવશે

Delhi Assembly Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શરૂ થઈ ચૂક્યા છે. મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે લીડ કરી રહ્યું છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી (Delhi Assembly Result 2025) કારમી હાર તરફ જઈ રહી છે. વલણોમાં AAP ના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં આ વખતે પણ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. દિલ્હીમાં ભાજપ 1993 બાદ પ્રથમ વખત જીતી છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષ બાદ સરકારમાં વાપસી
દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

AAP ના ખરાબ દેખાવો પર અન્ના હજારે બોલ્યાં…
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવો પર સામાજિક કાર્યકર અન્ના હજારેએ આક્ષેપ કર્યો કે, મેં હંમેશા કહ્યું છે કે, એક ઉમેદવારનો વ્યવહાર, તેમના વિચારો શુદ્ધ હોવા જોઈએ. જીવનમાં કોઈ દાગ ન હોવો જોઈએ. સારા વિચારો મતદાતાઓનો વિશ્વાસ વધારે છે. મેં કેજરીવાલને આ સલાહ આપી હતી. પરંતુ તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં. તે તો માત્ર ધન-દોલત બનાવવા માગતા હતાં, દારૂના કારણે બદનામ થયાં. તે સત્તાબળથી ખુશ હતાં.

આપના દિગ્ગજ નેતાઓમાં માત્ર મનિષ સિસોદિયા જીત તરફ
દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપના ઉમેદવારો આકરી ટક્કર આપી રહ્યા છે. દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, આતિશી હારનો સામનો કરી રહ્યા છે, જ્યારે જંગપુરા બેઠકની ચોથા રાઉન્ડની ગણતરી બાદ મનિષ સિસોદિયા 3773 મતોના માર્જિન સાથે લીડ કરી રહ્યા છે.

70 બેઠકોના વલણો જાહેર, ભાજપ 45 બેઠકો સાથે બહુમત
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં 70 બેઠકોના વલણો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ 45 બેઠકો પર લીડ સાથે બહુમત સરકાર બનાવતી જોવા મળી છે. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર જ્યારે કોંગ્રેસ અને બસપા એક-એક બેઠક પર લીડ કરી રહી છે.

ભાજપની જીત પર કોણ બનશે CM?
દિલ્હી વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના વલણોમાં ભાજપ 42 બેઠકો પર લીડ કરી રહી છે. આ સાથે જંગી બહુમતીથી દિલ્હીમાં 27 વર્ષ બાદ સરકાર બનાવશે. આ જીત બાદ દિલ્હીમાં કોઈ સીએમ બનશે તેના સવાલ પર મનોજ તિવારીએ જવાબ આપ્યો હતો કે, થોડી રાહ જુઓ, સમયની સાથે જાહેર થઈ જશે કે, કોણ મુખ્યમંત્રી બનશે. ઉલ્લેખનીય છે, દિલ્હીમાં ભાજપના સીએમ માટે મનોજ તિવારી પોતે સીએમની રેસમાં છે.