ધુમ્મસને કારણે ભીષણ અકસ્માત: ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત

Chandigarh Accident: હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ઉલ્કાનાના સુરેવાલા ચોક પાસે ગાઢ ધુમ્મસને લીધે ચાલતી કાર ડિવાઈડર સાથે અથડાયને પલટી ખાઈ ગઈ હતી. કાર સાથે પાછળથી આવતી ગાડીઓ પણ ટકરાઈ ગઈ હતી. કેટલાક લોકો રાહત બચાવ (Chandigarh Accident) કાર્ય કરી રહ્યા હતા, તો એવામાં જ પુરપાટ ઝડપે આવતો ટ્રક પણ પલટી ગયો હતો.

આ સમગ્ર દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. મળતી જાણકારી અનુસાર શનિવારે સવારે લગભગ આઠ વાગ્યે એક કાર ચંદીગઢ તરફથી આવી રહી હતી. ગાઢ ધુમ્મસ હોવાને કારણે ગાડી પર નિયંત્રણ રહ્યું ન હતું.

આ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના લીધે પલટી ગઈ હતી. આ કારની પાછળ આવી રહેલી બીજી કારનો ચાલક પણ બ્રેક લગાવી શક્યો ન હતો. તેની કાર પણ આ પલટેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બચાવવા માટે ઘટના સ્થળ પર આજુબાજુના લોકો પહોંચી ગયા હતા.

લોકો કારચાલકો અને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન જ ચંદીગઢ તરફથી આવી રહેલી એક ટ્રક પણ તેમની સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ ઘટના સ્થળે જ થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ક્રેનની મદદથી ટ્રકને હટાવવામાં આવ્યો હતો અને વાહનોને બીજી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.