Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ગઈકાલે ‘આદિવાસી ગૌરવ દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક વિરાટ સંધ્યા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના અનેકવિધ ધાર્મિક, ઓદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓની સાથે હજારો સંતો-ભક્તો હાજર રહ્યા હતા. હાજર દીગ્ગજોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમે તમને જણાવી દઈએ કે, પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને અધ્યાત્મબળથી આદિવાસી બંધુઓના ઉત્કર્ષ માટે રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં અવિસ્મરણીય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત હતા. આદિવાસી ભાઈઓમાં પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજ તેઓને સ્વજન માનતા. આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની ભેટ આપી. આદિવાસી છાત્રાલય, શાળા પરિસરો અને ફરતાં દવાખાનાઓ દ્વારા તેમની કરુણા સદા આ વનવાસી ભાઈઓ તરફ વહેતી રહી.
આદિવાસી ઉત્કર્ષ કાજે સન 1977 માં સાબરકાંઠામાં પ્રમુખસ્વામી મહારાજે 45 ડિગ્રી ગરમીમાં માટે 91ગામોમાં અને સન 1979 માં 21 દિવસમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 95 ગામોમાં અભૂતપૂર્વ વિચરણ કર્યું હતું. અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનોમાં ડૂબેલા અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા.
નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું,
હર્ષ ચૌહાણે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે કારણકે બ્રિટિશ શાસનના સમય થી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે. ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા.
વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું અને જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે કારણકે ૧૨ કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે અને તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.
પૂ. ડૉ સ્વામી ચિદાનંદે ( બાબા બલિયા) જણાવ્યું,
સ્વામી ચિદાનંદે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે આપણે માત્ર સભા માટે ભેગા નથી થયા પરંતુ ઉચ્ચ જીવન જીવવાની ચેતના જાગૃત કરવા ભેગા થયા છે. પ્રમુખસ્વામી મહારાજને કોટિ કોટિ વંદન કારણકે તેમના વિચારો સદાય આપણી સાથે છે અને તેમના આદર્શો પર આપણે ચાલીશું તો જીવનમાં ચોકકસ આગળ વધીશું. પ્રમુખસ્વામી મહારાજે આપેલું પુસ્તક “ગોલ્ડન એપલ્સ ” આજે પણ મેં મારી સાથે સાચવીને રાખ્યું છે. આ સ્વામિનારાયણ નગરમાં શિક્ષાની સાથે સંસ્કાર ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવ્યા છે અને સનાતન ધર્મના મૂલ્યોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે.
રાજ્ય સભાના પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તરુણ વિજયે જણાવ્યું,
તરુણ વિજયે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, સેલવાસ , ધરમપુર અને ડાંગ વિસ્તાર માં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે અથાગ પરિશ્રમ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થના કારણે ભારતીય સંસ્કૃતિની રક્ષા થઈ છે.
ભારતની તમામ સરહદના પહેલા રક્ષકો વનવાસી સમાજ છે અને તેઓ ભારતનો શક્તિપ્રાણ છે. બી.એ.પી.એસ ના સાધુઓ માત્ર સાધુ નથી પરંતુ એક એક સાધુ સ્વામી વિવેકાનંદ છે અને તેમના જેટલી અપાર શક્તિ ધરાવે છે અને પ્રમુખસ્વામીની શક્તિ એ ભારત વર્ષ નું રક્ષાકવચ છે.
શાંતિ કાલિ આશ્રમના પૂજ્ય ચિત્તરંજન મહારાજે જણાવ્યું,
ચિત્તરંજન મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, ૧૯૮૯ માં હું (પ્રમુખસ્વામી મહારાજને) પ્રથમ વખત મળ્યો હતો અને તેમની સાથે ભગવાનની ચલ મૂર્તિ સાથે હતી અને મને આશીર્વાદ આપતા ભવિષ્યવાણી કરી હતી કે , તમે ઉત્તમ ઉતરાધિકારી બનશો અને આપના હેઠળ મોટુ મંદિર પણ બનશે અને તેમની ભવિષ્યવાણી સાચી પડી છે. પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ આજે પણ મારી સાથે છે એવી મને અનુભૂતિ થાય છે અને તે માટે હું તેમને કોટિ કોટિ વંદન કરું છું.
મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત જનજાતિ ઉત્કર્ષ દિવસના ઉજવણી પ્રસંગે અહી હાજર રહેવા મળ્યું તે મારા માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં સમાજ સુધારક હતા કારણકે તેઓ એ જનજાતિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદરૂપી ધબ્બા મને આજે પણ યાદ છે અને તેઓના આશીર્વાદ સતત મારી સાથે રહ્યા છે. આ સંસ્થાએ આદિવાસી સમાજ ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે સરળ સેવક બનીને વનવાસીઓ ના ગામડે ગામડે અને ઘરે ઘરે ફરીને તેઓને અંધ શ્રદ્ધા, વહેમ અને કુરિવાજો અને વ્યસનોથી મુક્ત કરીને શાંતિ સ્થાપી છે. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં માનવ ઉત્કર્ષના ધામ સમાન ૧૧૦ હરીમંદિરો અને ૬ શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું છે.
વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ રામચંદ્ર ખરાડીએ જણાવ્યું,
રામચંદ્ર ખરાડીએ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, આજે અત્યંત આનંદ અને ખુશીને વાત છે કારણકે સંતો મહંતોનું સાંનિધ્ય એ સાક્ષાત ભગવાનનું સાંનિધ્ય હોય છે અને મને આજે એ પ્રાપ્ત થયું છે. વનવાસી બંધુઓનું અસ્તિત્વ ભગવાન શ્રી રામના સમયથી છે અને શબરીમાં તેનું ઉત્તમ ઉદાહરણ છે કારણકે તેમની ભક્તિ અને શક્તિથી પ્રસન્ન થઈને ભગવાનશ્રી રામ તેમની ઝૂંપડીએ પધાર્યા હતા.
વનવાસી સમાજે વિદેશી તાકાતો સામે હંમેશા હિંમતપૂર્વક લડાઈ કરી છે અને સમાજનું રક્ષણ કર્યું છે.પૂર્વ વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર વાનપ્રસ્થાશ્રમમાં સૌ માણસો નિવૃત્ત થઈને વનવાસી બંધુઓ વચ્ચે રહેવા જતાં રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે ગૌમાતા વગર ભારત વર્ષનું જીવન શક્ય નથી અને આજે વનવાસી સમાજ એ ગૌમાતાનું પૂજન અને શણગાર કરે છે અને વારસાનું સંવર્ધન કરે છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,
આજે આદિવાસી ગૌરવ દિન નિમિત્તે ખૂબ જ સુંદર વાતો થઈ અને પ્રમુખસ્વામી મહારાજે આદિવાસીની વિશેષ ઓળખ આપી છે અને તે હંમેશા કહેતા કે, “સૌથી આદિ ભગવાન છે અને તેમનો જેમનામાં વાસ છે તે આદિવાસી. ભલે બીજા વનવાસીઓ ને પછાત કહેતા હોય પરંતુ આપનામાં મને સાક્ષાત ભગવાનનાં દર્શન થાય છે”
આમ કહીને તેઓ આદિવાસીઓમાં ભગવાન ને જોતા હતા અને તે ભાવના સાથે તેઓ આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે ગયા છે અને તેઓના ઘરે રોકાયા છે.
પ્રમુખસ્વામી મહારાજના આવા હેત અને પ્રેમથી અનેક વનવાસી બંધુઓના જીવન પરિવર્તન થયા છે અને ઘણાય આદિવાસી ગામોમાં સ્વામિનારાયણના મંદિરનું નિર્માણ થયું છે અને સત્સંગી સમાજ તૈયાર કર્યો છે તેમાંના ઘણાય સેવકો આજે અહી નગરમાં સેવામાં પણ આવ્યા છે.
ઉપસ્થિત રહ્યા આ દિગ્ગજો:
રામચંદ્ર ખરાડી – વનવાસી કલ્યાણ આશ્રમ, પ્રમુખ; હર્ષ ચૌહાણ – નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ, ચેરમેન; તરુણ વિજય – પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાજ્ય સભા;પૂ. ડૉ સ્વામી ચિદાનંદ ( બાબા બલિયા ), ઓરિસ્સા; વિદ્યાનન્દ બરકાકોટિ – એડવાઇઝર, નોર્થ ઈસ્ટર્ન ટી એસોશીએશન; મંગુભાઈ પટેલ – રાજ્યપાલ – મધ્ય પ્રદેશ
પૂજ્ય ચિત્તરંજન મહારાજ – શાંતિ કાલિ આશ્રમ; રિચાર્ડ હોકસ – ચીફ એક્ષ્ઝીકયુટીવ – બ્રિટિશ એશિયન ટ્રસ્ટ
; અજીત કુમાર સુદ – મયર ઈન્ડિયા લિમિટેડ, ડિરેક્ટર; પ્રદીપ કુમાર ખેરુકા – ચેરમેન, બોરોસિલ લિમિટેડ
બિજોય સુનકર શાસ્ત્રી, પૂર્વ સભ્ય, લોકસભા ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.