રાજદ્રોહના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે પાટીદાર આગેવાનો મથી રહ્યા છે ત્યાં વધુ એક પાસ નેતાને જેલભેગો કરી દેવો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મંગળવારે સવારે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે. આ વલણ પાછળનું કારણ ગઈકાલની પાટીદારોની એકતા મિટિંગ હોઈ શકે તેવું પાટીદારોના મુખે ચર્ચાય રહ્યું છે. કેમકે છેલ્લા ઘણા સમયથી વેરવિખેર થયેલા આંદોલન ને એક કરવા મથી રહેલા બાંભણીયાએ ગઈ કાલે તમામ પાટીદાર સંગઠનોની બેઠક બોલાવાઈ હતી અને જે મહદંશે સફળ રહી હતી.
અમદાવાદ ઘીકાંટા કોર્ટમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં બાંભણીયા અવારનવાર કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વોરંટ બહાર પાડ્યું હતું. આ વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં હવે બાંભણિયાએ ફરી જામીન લેવા પડશે. આ સિવાય પણ અન્ય રાજદ્રોહીઓ યેનકેન પ્રકારે ગેરહાજર રહીને કોર્ટ ના હુકમ ની અવગણના કરી રહ્યા હતા તેવું કોર્ટે અવલોકન કરીને આ વોરંટ બહાર પાડ્યું હતું.
રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે ગુજરાત હાઇકોર્ટ નજીક એક ખાનગી હોટલમાં સોમવારે એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન હોટલના માલિકે વચ્ચે જ લાઈટ બંધ કરી દેતાં ભારે વિખવાદ થયો હતો. આ વિખવાદમાં બાંભણીયા કેન્દ્રસ્થાને હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોર્ટના સમન્સ ની અવગણના કરવાને લીધે થયેલી ધરપકડમાં વહેલી તકે જામીન મળી જશે.