બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી 6 ને નવજીવન, ફેફસા હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડાયા

Published on Trishul News at 11:37 AM, Sat, 18 November 2023

Last modified on November 18th, 2023 at 11:38 AM

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે સુરતથી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા (Donate Life Surat) દ્વારા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. માહ્યાવંશી સમાજના રેખાબેન કિશોરભાઈ રાણા ઉ.વ ૪૭ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી રેખાબેનના ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ધનસુરા, સાબરકાંઠાની રહેવાસી ૩૭ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

કીમ ખાતે રહેતા અને કીમમાં આવેલ બિસ્કીટની ફેકટરીમાં પેકિંગ નું કાર્ય કરતા રેખાબેન ઉ.વ ૪૭ ને તા. ૭ નવેમ્બર ના રોજ મળસ્કે ૩:૩૦ કલાકે ખેંચ આવતા પરિવારજનોએ તેમને સાયણ જીવન રક્ષા હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તા. ૧૦ નવેમ્બરના રોજ સુરતની શેલ્બી હોસ્પીટલમાં દાખલ કર્યા. નિદાન માટે MRI કરાવતા બ્રેઈન સ્ટોક હોવાનું નિદાન થયું હતું. આથી વધુ સારવાર માટે પરિવારજનો એ તેમને BAPS પ્રમુખસ્વામી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હરીન મોદીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાને લીધે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. ૧૪ નવેમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. હરીન મોદીએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

૧૫ નવેમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાલા , ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચેતન મેહતા, ફીઝીશયન ડૉ. પરસોત્તમ કોરડીયાએ રેખાબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા. ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી અને સુરત જીલ્લા માહ્યાવંશી વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ ડૉ. નવીનચંદ્ર કંથારીયા એ ડોનેટ લાઈફના (Donate Life Nilesh Mandlewala) સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી રેખાબેનના બ્રેઈનડેડ અંગેની તેમજ પરિવારની અંગદાનની ઈચ્છા છે તેમ જણાવ્યું.

ડોનેટ લાઈફની (Donate Life team) ટીમે હોસ્પિટલ પહોંચી રેખાબેનના પતિ કિશોરભાઈ, પુત્ર જેવિન, પુત્રી જીતિક્ષા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. રેખાબેન ના પતિ કિશોરભાઈ, જેઓ કીમ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવે છે, તેમને જણાવ્યું કે જયારે ડોક્ટરોએ મારી પત્ની રેખાને બ્રેઈન ડેડ જાહેર કરી ત્યારે મે હોસ્પિટલમાં અંગદાન જીવનદાનનું પોસ્ટર જોયું હતું ત્યારે અમને લાગ્યું કે મૃત્યુ પામ્યા પછી શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારી પત્નીના અંગોના દાન થકી જેટલા પણ અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ કાર્ય ન હોઈ શકે. રેખાબેન ના પરિવારમાં તેમના પતિ કિશોરભાઈ ઉં.વ. ૫૨ જેઓ કીમ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવે છે, પુત્ર જેવિન ઉ.વ ૨૫ જેઓ કીમમાં આવેલ સુમીલોન ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિશયન તરીકે ફરજ બજાવે છે અને પુત્રી જીતિક્ષા ઉ.વ. ૨૨ છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા ફેફસાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, લિવર અને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા.ફેફસાનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ. જનાનેશ થાચ્કેર, ડૉ. નિકુંજ વ્યાસ, ડૉ. હર્ષિત બાવીશી, ડૉ. ઉલાસ પઢીયાર, સુનીલ અગ્રવાલ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની IKDRCના ડૉ. સુરેશકુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું, જયારે ચક્ષુઓનું દાન લોક્દ્રસ્તી ચક્ષુબેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ધનસુરા સાબરકાંઠાની રહેવાસી, ઉ.વ. ૩૭ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ. ધીરેન શાહ, ડૉ. ધવલ નાયક, ડૉ. કિશોર ગુપ્તા ડૉ. અમિત ચંદન, ડૉ.નિરેન ભાવસાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઉ.વ. ૪૩ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. જયારે બંને કિડની નું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવી રહ્યું છે.

ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૦૮ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

Be the first to comment on "બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી 6 ને નવજીવન, ફેફસા હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડાયા"

Leave a comment

Your email address will not be published.


*