ક્ષત્રિયોએ C R Patil ની સભામાં કર્યો પ્રચંડ વિરોધ: ભાજપના લોકાર્પણ કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, રૂપાલાની ટિકિટ કાપવાની જીદ

CR Paatil: પરશોત્તમ રૂપાલાના વિરોધનો પડઘો પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે.ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો.તો આ સાથે જ વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી નાખી હતી.તેમજ સી આર પાટીલ રિબીન કાપવા ગયા ત્યારે હોબાળો કર્યો હતો.એક તરફ સી. આર. પાટીલ(CR Paatil) કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા હતા, ત્યાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

કમલમના ઉદ્ઘાટનમાં કાળા વાવટા ફરકાવવી વિરોધ
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદનના કારણે છેલ્લા કેટલા સમયથી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો દ્વારકાના ખંભાળિયા ખાતે કમલમ લોકાર્પણના કાર્યક્રમ સમય એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. થોડીવાર માટે કાર્યક્રમ સ્થળે દોડધામ મચી હતી. જે બાદ આ ઘટનાના પગલે પોલીસ દ્વારા થોડી વારમાં સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

ખુરશીઓ તોડી નાખવામાં આવતા પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્તમાં
આજે સી.આર.પાટીલ ખંભાળિયામાં છે અને અહીં ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિરોધ થવાના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને ચીમકી આપી છે. તેઓએ અહીં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો છે.મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ કાળી પટ્ટી હાથમાં લઇ ‘રૂપાલા હટાવો’ નારા લગાવ્યા હતા.આ સાથે જ સમાજના લોકો આકરા પાણીએ આવી ગયા છે. તેઓએ કાર્યક્રમમાં રાખવામાં આવેલી ખુરશીઓને પણ ઊંધી કરી તળી નાખી હતી. મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિય સમાજ ભેગો થયો હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. પોલીસે ખાસ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ
ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ છે. જેમાં આજે નિર્ણય નહીં તો જવાબ નહિ મહા આંદોલન થશે. તેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આકરાપાણીએ થઇ છે. તેમજ જણાવ્યું છે કે સત્તાના નશામાં ભાન ભુલે એવા વ્યક્તિની જરૂર નથી. ત્યારે આ વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ સંબોધન આપતા જણાવ્યું છે કે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચીશું.