સુરતમાં આવી ગાયના છાણમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી રાખડી, 35 આદિવાસી મહિલા બની આત્મનિર્ભર

સુરત(ગુજરાત): થોડા જ દિવસોમાં હવે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દર વર્ષે રક્ષાબંધનને લઈ શહેરમાં અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે. જોકે, છેલ્લા બે વર્ષથી કોરોનાનો કાળો કહેર છવાઈ રહ્યો છે. ત્યારે આ રોગને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરતમાં ઇકોફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ ખાસ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવે છે. આ વર્ષે બજારમાં એક અનોખી જ ઇકોફ્રેન્ડલી રાખડી આવી છે.

સુરતના ઘોડદોડ ખાતે આવેલા અગ્રેસન સમાજ ભવનમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં વિજયભાઈ અગ્રવાલ દ્વારા ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ વૈદિક રાખડીઓ વેચવામાં આવી રહી છે. અત્યારસુધી તમે બજારમાં છાણમાંથી બનેલા ઇકો ફ્રેન્ડલી દીવા અને ઇકો ફ્રેન્ડલી સ્ટીક કે છાણથી બનતી અન્ય પ્રોડક્ટ જોઈ હશે. પરંતુ, હવે તમને બજારમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓના વપરાશનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ હવે ગાયના છાણનો ઉપયોગ કરીને વિવિધ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.

છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા દીવાઓ અને હોળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ હાલ ગાય આધારિત ખેતી પણ વધી છે. જેના કારણે ગાય માતાનું મહત્ત્વ સચવાયું હોવાની સાથે સાથે લોકોમાં ઇકો ફ્રેન્ડલી અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લગાવ પણ વધી રહ્યો છે. તેમાં પણ આ વખતે છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં હાલ ખુબ  જ આકર્ષણ જમાવી રહી છે.

જાણવા મળ્યું છે કે, સુરતમાં આ વખતે ગૌ સંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મૂકવામાં આવી છે. બીજી બાજુ આ રાખડીઓ થકી મહિલાઓને રોજગારી મળી રહે છે. આ રાખડીઓ દક્ષિણ ગુજરાતની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. આ રાખડીઓ થકી તેમને સારી એવી આવક પણ મળી રહેતી હોવાનું સામે આવ્યું છે. આ રાખડી બનાવનાર વિજયભાઈની પોતાની ગૌશાળા છે. આ ગૌશાળામાં તેઓ વિવિધ વસ્તુ ગાયના છાણમાંથી બનાવે છે. દિવાળીમાં ઇકો ફ્રેન્ડલી દિવાઓ અને હોળીમાં છાણમાંથી સ્ટીક બનાવવામાં આવે છે. આ વખતે તેમણે છાણમાંથી ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બનાવી છે.

આ મામલે વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ રાખડીઓની વિશેષતા એ છે કે તેનાથી એક પોઝિટિવ ઓરા ઉત્પન્ન થાય છે. દરેક લોકો જાણે જ છે કે, ગાયનું ગોબર એન્ટી રેડિએશન ઉત્પન્ન કરે છે. જેથી ગાયના ગોબરની રાખડી બાંધવાથી ભાઈ બહેનીની રક્ષાની બાંહેધરી આપે છે તો બહેન ભાઈને આ રખડી બાંધી રેડિએશનથી બચાવી રક્ષા કરે છે. ગાયના છાણની વસ્તુઓનો ઉપયોગ વધવાથી ગાયના સંવર્ધન માટે આવક પણ મળી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આનો હેતુ નફો કરવાનો નથી. આથી રાખડીની કિંમત પણ માત્ર 30 રૂપિયા જેટલી નજીવી રાખવામાં આવી છે. આ રાખડી ભલે છાણમાંથી બનાવી છે. પરંતુ, પાણીમાં ભીની થવા છતાં પણ તે બગડતી નથી.

દર વર્ષે બજારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે આ પ્રકારની ગાય આધારિત રાખડી જોવા મળતાં ગ્રાહકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. રાખડી ખરીદવા આવનારા ગ્રાહકો પણ આ રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. કારણ કે, ગાયના છાણથી શરીરના ઘણા રોગો દૂર થવાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આ દરમિયાન, રાખડી ખરીદવા આવનાર મહિલાઓ પણ પોતાના ભાઈની રક્ષા માટે તેમજ તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ રાખડીઓ ખરીદી રહી છે. આ રાખડીઓને વૈદિક રાખડીઓ નામ આપવામાં આવ્યું છે. હાલ 35 જેટલી મહિલાઓ આ વૈદિક રાખડીઓ બનાવીને કમાણી પણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *