એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મોડી રાત્રે અગ્રણી ગુજરાતી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિકોમાંના એક બાહુબલી શાહની (Gujarat Samachar Director Bahubali Shah) નાણાકીય છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી હોવાના અહેવાલ સામે છે. હજુ સુધી કેસની ચોક્કસ વિગતો હજુ બહાર આવી નથી, ત્યારે બાહુબલી શાહના પરિવારનો આરોપ છે કે ધરપકડ રાજકીય દબાવમાં કરાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર IPOમાં કથિત ગેરરીતિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલ વિગતો મુજબ SEBIની ફરિયાદ વર્ષ 2016ની છે.
અખબારના મેનેજિંગ એડિટર અને બાહુબલી શાહના ભાઈ શ્રેયાંશ શાહે સુત્રોને જણાવ્યું હતું કે, “હા, માહિતી સાચી છે. બાહુબલીભાઈની એક જૂના કેસમાં ધરપકડ (ED arrested Bahubali Shah) કરવામાં આવી છે. અમારી પાસે આરોપો વિશે હજુ સુધી વધુ વિગતો નથી…અમને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ED પાસેથી જવાબ મેળવવાના પ્રયાસોનો કોઈ જવાબ મળ્યો નથી.
ગુજરાત સમાચારના મુખ્ય સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રેયાંસ શાહે ગુરુવારે મોડી રાત્રે તેમના ભાઈની ધરપકડ માટે રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે EDએ 36 કલાક ચાલેલા દરોડા પછી કોઈપણ પૂર્વ નોટીસ વિના તેમને સમન્સ પાઠવ્યા વગર ધરપકડ કરી.
શ્રેયાંસ શાહે કહ્યું કે તેમના ભાઈને ગંભીર હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમની તબિયત ખરાબ છે. તેમણે અધિકારીઓ પર બાહુબલી શાહ પર “ચોક્કસ બાબતો” કબૂલ કરવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો.
શ્રેયાંસ શાહે કહ્યું કે EDના દરોડા 20 વર્ષ પહેલાં કેટલાક વ્યવહારો સાથે સંબંધિત હતા. “આ બધા વ્યવહારો બેંક દ્વારા કરવામાં આવ્યા હતા. આ એક સિવિલ મામલો છે, અને અમે કોર્ટમાં લડવા માટે તૈયાર છીએ. અમારે કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. મારા ભાઈ સાથે આવો વ્યવહાર કેમ થઈ રહ્યો છે?”
1932 માં શરુ થયેલ, ગુજરાત સમાચાર એ ગુજરાતના સૌથી મોટા પ્રસારિત સ્થાનિક દૈનિકોમાંનું એક છે અને શાહ બંધુઓ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત થાય છે. આવકવેરા વિભાગ (Income tax raid at Gujarat Samachar) દ્વારા દરોડા પાડવામાં આવ્યાના કલાકો પછી આ ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ ED દ્વારા અખબારની ઓફિસો અને તેની સાથે જોડાયેલા સ્થળો પર શ્રેણીબદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહી, આવકવેરા દરોડા અને અખબારના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા પછી આ ઘટનાક્રમ બન્યો છે.
ગુજરાત સમાચારની ચેનલ પર ટોક શો હોસ્ટ કરતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ, ઇસુદાન ગઢવી એ ED અને IT ના પગલાંની ટીકા કરી હતી, તેમને સ્વતંત્ર પત્રકારત્વ માટે ખતરો ગણાવ્યો હતો.
બાહુબલી શાહની ધરપકડ પછી, બાહુબલી શાહને છાતીમાં દુખાવો થયો હોવાનું કહેવાય છે અને મોડી રાત્રે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પહેલા તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.