પબજી રમવાના વ્યસનમાં યુવક કેટલી હદે જઈ શકે છે તેનું ઉદાહરણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં સામે આવ્યું છે. એક સગીર છોકરાએ આ વ્યસન માટે તેની માતાના ખાતામાંથી 10 લાખ રૂપિયા ઉપાડી લીધા. જ્યારે તેના માતાપિતાને આ વિશે ખબર પડી, ત્યારે તેઓએ છોકરાને ઠપકો આપ્યો. ગુસ્સામાં આ સોળ વર્ષનો છોકરો ઘર છોડીને ચાલ્યો ગયો. પોલીસને હવે આ છોકરો મળી ગયો છે.
જોગેશ્વરી પૂર્વના દુર્ગાનગરમાં રહેતા દાસ પરિવારે 25 ઓગસ્ટના રોજ તેમના 16 વર્ષના છોકરાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. છોકરો સગીર હોવાથી MIDC પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાંચના યુનિટ 10 ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશકુમાર ઠાકુરના નેતૃત્વમાં પોલીસ ટીમે છોકરાની શોધખોળ શરૂ કરી હતી. છોકરાના સ્વભાવ, ઘરના વિવાદ અંગે વિસ્તૃત માહિતી લેવાના સંદર્ભમાં પોલીસને એક ખાસ બાબત જાણવા મળી. પોલીસને ખબર પડી કે છોકરો PUBG રમવાનો વ્યસની છે.
Pubg ગેમ માટે ‘id’ અને ‘uc’ મેળવવા જરૂરી છે. આ માટે પુત્રએ માતાના બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. જ્યારે પૈસા વાપરવામાં આવ્યા હોવાની જાણ માતા -પિતાને થઈ તો તેઓએ તેમના પુત્રને ઠપકો આપ્યો. આ ઠપકાથી નારાજ થઈને છોકરો ઘર છોડીને ભાગી ગયો. ઘરેથી નીકળતાં પહેલાં તેણે એક પત્ર લખ્યો અને ગયો. પત્રમાં લખ્યું હતું કે, ‘હું ઘર છોડી રહ્યો છું. હું પાછો નહીં આવું.
માતાપિતા પાસેથી બધું જાણ્યા પછી, પોલીસે છોકરાના મિત્રોનો સંપર્ક કર્યો. ટેકનિકલ મદદ લઈને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ શોધ દરમિયાન, અંધેરી પૂર્વમાં બીજા દિવસે, તે મહાકાલી ગુફા પાસે એકલો ચાલતો જોવા મળ્યો હતો. પોલીસે તરત જ તેને પકડી તેની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી માટે તેને MIDC પોલીસને સોંપી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.