હાલમાં દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાએ 18મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. 18મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી દેશમાં રેલ રોકો આંદોલન ચલાવવામાં આવશે. તો 12મી ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં તમામ ટોલ પ્લાઝા ખેડૂતો માટે ફ્રી કરવામાં આવશે. 14મી માર્ચે ખેડૂતો દ્વારા પુલવામા હુમલાની વર્ષગાઠ નિમીતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવશે. કિસાન મોરચાએ કહ્યુ કે, હરિયાણાના લોકો ભાજપ અને જેજેપીના નેતાઓ પર દબાણ વધારે અને ખેડૂતોના હિતમાં નેતાઓને પોતાની ગાદી છોડવા માટે મજબૂર કરે. આ પહેલા ખેડૂત સંગઠનોએ 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યુ હતુ. જે દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ ત્રણ કલાક સુધી ચક્કાજામનું પણ એલના કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં આંદોલન સાથે જોડાયેલા ખેડૂતોના સંગઠનો દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં 18મી ફેબુ્રઆરીએ રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. અને ચાર કલાક સુધી આ રેલ રોકો આંદોલન ચાલશે, જેમાં શાંતિપૂર્વક રીતે રેલવેના પાટા પર જઇને ટ્રેનોને રોકવામાં આવશે.
સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આવતી 18મી તારીખે સમગ્ર દેશમાં જ્યાં પણ ટ્રેનો ચાલી રહી છે ત્યાં ટ્રેનોને બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રોકવામાં આવશે. એટલુ જ નહીં રાજસ્થાનમાં આવતી 12મી તારીખથી બધા જ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન બંધ કરાવી દેવામાં આવશે. આ પહેલા ત્રણ કલાક સુધી વિવિધ રાજ્યોમાં હાઇવે અને અન્ય રોડ પર ત્રણ કલાક સુધી ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને હવે રેલવે રોકો આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. હજારો ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આની અસર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જોવા મળી રહી છે.
આ દરમિયાન 14મી ફ્રેબ્રુઆરીએ પુલવામા હુમલામાં જે જવાનો શહીદ થયા હતા, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતી 14મી ફેબુ્રઆરીએ દેશભરમાં ખેડૂતો દ્વારા કેંડલ માર્ચ કાઢવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું કે ટોલ પ્લાઝાને નુકસાન કરનારા આંદોલનજીવીઓ ખેડૂતોના આંદોલનને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ નિવેદનના કલાકો બાદ ખેડૂતોએ જાહેરાત કરી દીધી હતી કે, તેઓ આગામી 12મી તારીખે રાજસ્થાનના બધા જ ટોલ પ્લાઝાને બંધ કરાવી દેશે. બીજી બાજુ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો મોરચો સંભાળી રહેલા રાકેશ ટિકૈત કહે છે કે, ખેડૂતોનું આંદોલન સરકારને સત્તામાંથી હાંકી કાઢવા માટે નથી પણ ખેડૂતોની જે સમસ્યાઓ છે તેના નિરાકરણ અને સમાધાન માટે છે. રાકેશ ટિકૈતે દિલ્હીના સિંઘુ બોર્ડરની મુલાકાત લીધી હતી જ્યાં ખેડૂતોને સંબોધતી વખતે તેમણે આ જાહેરાત કરી હતી અને સાથે સાથે કહ્યું હતું કે, જ્યાં સુધી કૃષિ કાયદા પરત લેવામાં ન આવે અને ટેકાના ભાવની કાયદેસરની ખાતરી ન મળી રહે ત્યાં સુધી આ આંદોલન બંધ થશે નહિ.
આ દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ દરમિયાન ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં પોલીસ દ્વારા વધુ એક આરોપી ઇકબાલ સિંઘની ધરપકડ કરવામાં આવી છે. જેના પર 50 હજારનું ઇનામ હતું અને તે આગળ ઝડપાયેલા દીપ સિદ્ધુનો સાથીદાર માનવામાં આવે છે. ઇકબાલ સિંઘની દિલ્હી પોલીસે હોશિયારપુરમાંથી ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઇકબાલ સિંઘને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.
26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં ઝડપાયેલા પંજાબી કલાકાર દીપ સિદ્ધુએ પૂછપરછમાં તે દિવસના ઘટનાક્રમની કેટલીક જાણકારી પોલીસને આપી છે. તેમાં જાણવા મળ્યું છે કે, પ્રાથમિક તપાસમાં દીપ સિદ્ધુએ દાવો કર્યો છે કે મને ફોન આવ્યો હતો કે લોકો લાલ કિલ્લા તરફ જઇ રહ્યા છે તેથી હું પણ ગયો હતો. જોકે, તેણે હજુ પણ સ્પષ્ટતા નથી કરી કે તે લાલ કીલ્લા પર શા માટે ગયો હતો. આ ઉપરાંત તેણે સાથે સાથે એવો પણ દાવો કર્યો છે કે, હું લાલ કીલ્લા પર ગયો હતો પણ પછી તરત જ પરત દિલ્હીની સિંઘુ બોર્ડર પર આવી ગયો હતો.
દિવસના ઘટનાક્રમની જાણકારી આપતા તેણે દાવો કર્યો છે કે, 26મી જાન્યુઆરીએ સવારે હું સિંઘુ બોર્ડર આવ્યો, જ્યાંથી 11 વાગ્યે લાલ કિલ્લા પર પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ દીપ સિદ્ધુની સાથે તેના અન્ય ત્રણ સાથીઓ પણ હતા. પોલીસ દ્વારા હજુ પણ આ સમગ્ર મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની આડમાં ખાલિસ્તાનના અલગતવાદી સક્રિય થઇ ગયા હોવાનો દાવો કરતા રિપોર્ટ સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ખાલિસ્તાની અલગતવાદી ગોપાલ સિંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે હવે પાકિસ્તાનમાં ટ્રેક્ટર રેલી કાઢશે.
ગોપાલ સિંઘે દાવો કર્યો છે કે, આ ટ્રેક્ટર રેલી અમે ભારતના ખેડૂતોના સમર્થનમાં કાઢી રહ્યા છીએ. જ્યારે એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે, તે ખેડૂતોની આડમાં પોતાના ખાલિસ્તાનના મનસુબાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી રહ્યો છે. ગોપાલ સિંઘ ઘણા સમયથી ભારત વિરોધી કામ કરી રહ્યો હોવાના દાવા સામે આવી રહ્યા છે અને આમાં તેને પાકિસ્તાન પણ સમર્થન આપી રહ્યું છે. આ ઉપરાંત તે અગાઉ પણ આવા ઘણાં ભડકાઉ નિવેદનો આપી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle