આજ રોજ એટલે કે 21 તારીખ અને મંગળવારના રોજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. અને આજરોજ ભક્તો સોમનાથમાં દર્શને પહોચ્યા હતા. મંગળવારના રોજ શ્રાવણ મહિનાના પહેલા દિવસે પ્રથમ જ્યોર્તિંલીગ મંદિર સોમનાથમાં પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હોવાની તસ્વીરો સામે આવી છે. કોરોના મહામારી વચ્ચે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ જામી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડી ગયા હતા. સોમનાથ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તો ધક્કામુક્કી કરી રહ્યા હતા. આ સ્થતિ સર્જાતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસ અને ભક્તો વચ્ચે મારામારીની ઘટના બનતા થોડા સમય માટે આખું પરિસર બંધ કરી દેવામાં આવ્યું હતું.
હાલ મોટો પ્રશ્ન એ છે કે, કુબેરભંડારી અને ડાકોર સહીત ઘણા મંદિરો બંધ રાખવામાં આવ્યા છે તો પછી સોમનાથ મંદિર શા માટે ખૂલ્લું રાખવામાં આવ્યું હતું? સોમનાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતા શ્રદ્ધાળું અને પોલીસ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો. પોલીસ અધિકારીએ જયારે લાઠીચાર્જ કર્યો તો રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને તમાચો મારી દીધો હતો. અને આવું થતા પરિસ્થતિ વધુ ગંભીર બની હતી. સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ વ્યવસ્થાનો અભાવ જોવા મળતા શ્રદ્ધાળુંઓના ટોળા અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સોમનાથ મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન પણ જોવા મળી હતી પણ મોટી સંખ્યામાં એવા ભક્તો હતા જેમણે માસ્ક પણ નહોતું પહેર્યું.
એકતરફ ગીર સોમનાથમાં કોરોના વાયરસ વાયુવેગે વધી રહ્યો છે, અને અહિયાં જાણે આવી ભૂલ કરીને કોરોના વેગ આપવાનો હોય એવો ઘાટ જોવા મળ્યો હતો. જો જિલ્લામાં કોરોના સંક્રમણમો વ્યાપ વધ્યો તો જવાબદાર કોણ બનશે? સોમવારના રોજ અહીં એક જ દિવસમાં નવા 18 કેસ મળી આવતા જિલ્લામાં ટોટલ આંક 200ને પાર પહોચ્યો હતો. આમ સોમનાથ મંદિરમાં ભયંકર ભીડ જોવા મળતા કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે.
સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આવતા દરેક ભક્તોને સરળતાથી દર્શન કરી શકે એ માટે મંદિર વહેલી સવારે 6.00 વાગ્યે ખોલી દેવામાં આવે છે અને સાંજે 9.15 વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે. જ્યારે સામાન્ય દિવસોમાં મંદિરનો સમય સવારે 7.30 થી 11.30 સુધી અને બપોરે 12.30થી સાંજના 6.30 સુધીનો રહે છે. મંગળવારથી ગુજરાત-મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યના શિવમંદિરને સુશોભિત કરવામાં આવ્યા છે. શિવજીને વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો છે. અને પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news