આગ લાગવાની અનેક ઘટનાઓ રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં આવેલ અડાજણ વિસ્તારની હની પાર્ક રોડની એક કોસ્મેટિકની દુકાનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી.
જો કે, ઘટનાની જાણ થતાંની સાથે જ અડાજણ તથા પાલનપુર પાટિયાના ફાયરના જવાનો તાત્કાલિક પહોંચતા ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લેવા માટેનાં પ્રયાસ સફળ રહ્યા હતા. સાંજે 4:30 વાગ્યાના અરસામાં લાગેલ આગની જવાળાઓએ ગણતરીના સમયમાં જ જ્વાળા બનીને આખી દુકાનને ખાક કરી નાખી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
ફાયર સેફ્ટીની સુવિધા ન હતી:
અડાજણ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ જણાવે છે કે, સતનામ નામની દુકાનમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. આગની જ્વાળાઓ દુકાનમાંથી સામે આવી રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જો કે, આગમાં તમામ સમાન બળીને ખાક થઈ ગયો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને લીધે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.
દુકાનમાં ફટાકડા હતા:
સ્થાનિક દુકાનદાર જણાવે છે કે, કોસ્મેટિકની દુકાનની આડમાં સતનામ ડેકોરેશનના માલિકો ફટાકડાઓ પણ વહેંચી રહ્યા હતાં. શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યા પછી સમગ્ર વિસ્તારમાં જોરદાર ધડાકા-ભડાકાના અવાજ સાંભળતા આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ફાયરબ્રિગેડ સમયસર આવતા ફક્ત સતનામ ડેકોરેશનની દુકાન બળીને ખાક થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.