રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કોરોનાને કાબુમાં લેવા માટેની કામગીરી કરવામાં આવે છે. પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે ગુજરાતમાં કોરોનાનાનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં ડૉક્ટર, પોલીસકર્મી, મીડીયાકર્મી અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને સ્વસ્થ થઇને તેમની ફરજ પર પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કારણે રાજ્યના પૂર્વ એડિશનલ DGP એ.આઈ. સૈયદનું મોત નીપજ્યું છે. એ.આઈ. સૈયદ નિવૃત થયા બાદ ભાજપમાં જોડાયા હતા.
રિપોર્ટ અનુસાર રાજ્યના પૂર્વ એડિશનલ DGP એ.આઈ. સૈયદને કોરોનાના લક્ષણો જણાતા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત લથડતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વેન્ટીલેટર હોવા છતાં પણ એ.આઈ. સૈયદની તબિયતમાં સુધારો થયો ન હોતો અને તેમની તબિયત વધારે લથડતા એ.આઈ. સૈયદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ.આઈ. સૈયદ ગુજરાતના IPS અધિકારી હતા. તેઓ પોલીસમાંથી નિવૃત થયા પછી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા અને કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેઓ રાજકારણમાં સફળ થઇ શક્યા નહીં. એ.આઈ. સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી અમેરિકામાં ડૉકટર તરીકે પ્રેક્ટિસ કરે છે, નાની દીકરી ડેન્ટિસ્ટ છે અને પુત્ર વડોદરામાં રહે છે.
નિવૃત IPS એ.આઈ. સૈયદની ગણતરી બાહોશ અધિકારીઓમાં થતી હતી. તેઓ અમદાવાદમાં ટ્રાફિક DCP અને જોઈન્ટ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 2002ના તોફાનો દરમિયાન તેઓ જે સમયે પોતાની ફરજ પૂરી કરીને ઘરે જતા હતા, ત્યારે કેટલાક અસામાજિકતત્ત્વોએ તેમની સરકારી ગાડીને ઘેરી લઇને હુમલો કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે સમયસર ઘટના સ્થળ પર પહોંચી જતા તેમનો બચાવ થયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ ઘટનામાં જીવનું જોખમ હોવા છતાં પણ એ.આઈ. સૈયદે તોફાનીઓને સજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ફરજ દરમિયાન કોરોના વોરીયર્સ કહેવાતા પોલીસકર્મી અને નર્સિંગ સ્ટાફના કેટલાક કર્મચારીઓનું કોરોનાના કારણે મોત થયું હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news