કોંગ્રેસે UP માં સરેન્ડર કરી દીધું: અમેઠી બેઠક પરથી ગાંધી પરિવારે દાવો માંડી વાળ્યો

છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીમાંથી (Rahul Gandhi raebareli news) આ વખતે પાર્ટી કોને મેદાનમાં ઉતારશે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. જો કે રાહુલ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ વખતે કોંગ્રેસે અહીંથી કે એલ શર્માને (K L Sharma Congress Amethi) ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીનો ગઢ ગણાતા રાયબરેલીથી (Rahul Gandhi Raebareli) ચૂંટણી લડશે. ત્યારે સ્પષ્ટ થઇ ગયું છે કે ગાંધી પરિવારે અમેઠી છોડી દઈને યુપીમાં સરેન્ડર કરી દીધું છે.

25 વર્ષ પછી ગાંધી પરિવારનું કોઈ અમેઠીમાં નહિ લડે

કેએલ શર્મા, જેમને કોંગ્રેસે અમેઠીમાં પોતાનો ઉમેદવાર બનાવ્યા છે, તેઓ ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે 1998 પછી એટલે કે 25 વર્ષ પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ અમેઠી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં નથી. સતીશ શર્મા છેલ્લી વખત વર્ષ 1998માં ચૂંટણી લડ્યા હતા, જેમને સંજય સિંહ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ એ જ અમેઠી છે જે એક સમયે કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો માનવામાં આવતો હતો. આ ઉપરાંત, તે દાયકાઓ સુધી ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો.

અમેઠી સીટ નેહરુ- ગાંધી પરિવારનો જૂનો ગઢ છે.

ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પૈકી અમેઠી સીટ નેહરુ-ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. જો કે, આ બેઠક પરથી છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભાજપની સ્મૃતિ ઈરાનીએ જંગી અંતરથી પરાજય આપ્યો હતો. પરંતુ અમેઠીમાં અત્યાર સુધીની લોકસભા ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ સીટ મોટાભાગે કોંગ્રેસ પાસે જ રહી છે. અમેઠીને ઉત્તર પ્રદેશની VVIP બેઠકોમાંથી એક ગણવામાં આવે છે. અમેઠીની આ બેઠક 2019થી BJP પાસે છે.

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો તોડી નાખ્યો

કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાથમા આવી ગઈ હતી. 2019માં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

અમેઠી બેઠકનો ચૂંટણી ઈતિહાસ

અમેઠી લોકસભા સીટ 1967ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત અસ્તિત્વમાં આવી હતી. આ નવી સીટ પર કોંગ્રેસના વિદ્યાધર વાજપેયી સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના ગોકુલ પ્રસાદ પાઠકને સાડા ત્રણ હજારથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ પછી વિદ્યાધર વાજપેયી 1972માં ફરી અમેઠીના સાંસદ બન્યા. 1977ની ચૂંટણીમાં પહેલીવાર ગાંધી પરિવારમાંથી કોઈએ આ બેઠક પરથી પોતાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ ગાંધી પરિવારમાંથી સંજય ગાંધીને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ કટોકટી દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની તીવ્ર ટીકાને કારણે, જનતાએ સંજય ગાંધીમાં વિશ્વાસ મૂક્યો ન હતો.

પરિણામ એ આવ્યું કે આ ચૂંટણીમાં સંજય ગાંધીનો પરાજય થયો. અને જનતા પાર્ટીના ઉમેદવાર રવિન્દ્ર પ્રતાપ સિંહ અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1980માં સંજય ગાંધીના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધીએ અમેઠીની બાગડોર સંભાળી હતી. આ પછી, 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીને ફરી એકવાર અમેઠીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

તત્કાલિન રાષ્ટ્રપતિ ગિયાની ઝૈલ સિંહે રાજીવને વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પછી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રાજીવ ફરીથી અમેઠીથી લોકસભાની ચૂંટણી લડવા ગયા ત્યારે મેનકાએ રાજીવ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે પરિણામો આવ્યા, ત્યારે રાજીવે મેનકા પર જંગી જીત મેળવી. 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવને 3,65,041 વોટ મળ્યા હતા જ્યારે તેમની સામે ચૂંટણી લડનાર મેનકાને માત્ર 50,163 વોટ જ મળ્યા હતા. આ રીતે મેનકાને 3,14,878 મતોથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

1989 અને 1991ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ફરી એકવાર રાજીવ ગાંધી આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન, પ્રથમ તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. 21 મેના રોજ રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે તમિલનાડુ ગયા હતા જ્યાં તેમની હત્યા થઇ ગઈ. ત્યારપછી આ દરમિયાન 1991 અને 1996માં અમેઠી લોકસભા સીટ પર પેટાચૂંટણી થઈ હતી, ત્યારબાદ કોંગ્રેસના સતીશ શર્મા સાંસદ બન્યા હતા. જોકે, 1998માં કોંગ્રેસને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે 1999માં ભાજપના ઉમેદવાર સંજય સિંહે સતીશ શર્માને 23 હજાર મતોથી હરાવ્યા હતા, ત્યારે સોનિયા ગાંધીએ ચૂંટણી જીતી હતી. 1999માં રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને સંજય સિંહને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ પછી, 2004 ની 14મી લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધી પ્રથમ વખત આ બેઠક પરથી ચૂંટણી લડ્યા, તેમણે BSP ઉમેદવાર ચંદ્રપ્રકાશ મિશ્રાને 2 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. 2009માં પણ રાહુલ અમેઠી બેઠક પરથી જીત્યા હતા. આ વખતે વિજયનું માર્જીન સાડા ત્રણ લાખથી વધુ હતું. 2014માં રાહુલ ગાંધી સતત ત્રીજી વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમની સામે ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી હતી. જો કે તે સમયે જીતનું માર્જીન માત્ર 1 લાખથી વધુ મતોનું રહી ગયું હતું.